નવી દિલ્હી: એર ઈન્ડિયાએ 30 એપ્રિલ સુધી ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું બુકિંગ બંધ કરી દીધું છે. કારણ કે તે 14 એપ્રિલે પૂરા થનારા લોકડાઉન અંગે સરકારના નિર્ણયની રાહ જોશે.
નો-ફ્રિલ્સ કેરિયર્સ ઈન્ડિગો, સ્પાઈસ જેટ અને ગોએરનાં જણાવ્યા મુજબ, તેઓ 15 એપ્રિલથી ઘરેલુ ફ્લાઇટ્સનું બુકિંગ શરૂ કરી રહ્યા છે. સ્પાઇસ જેટ અને ગોએરના 1 મેથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની ટિકિટનું પણ વેચાણ શરૂ કર્યું છે.
ઇન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું બુકિંગ સ્થગિત છે. ફુલ સર્વિસ કેરિયર વિસ્ટારે જણાવ્યું કે, તેમને 15 એપ્રિલથી યાત્રા માટે બુકિંગ શરૂ કરી દીધા છે.
કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા દેશવ્યાપી લોકડાઉન વચ્ચે 14મી એપ્રિલ સુધી ઘરેલું અને આંતરરાષ્ટ્રીય રૂટ પર કોમર્શિયલ ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી છે.
એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, હવે શુક્રવારથી 30 એપ્રિલ સુધી બુકિંગ બંધ કરવામાં આવ્યા છે. અમે 14 એપ્રિલ પછીના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ.
સ્પાઇસ જેટ અને ગો-એરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 15 એપ્રિલથી ઘરેલું ફ્લાઇટ્સની યાત્રા માટે અને 1 મેથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે બુકિંગ શરૂ કરવામાં આવશેે.
વિસ્ટારના પ્રવક્તાએ જણાવ્યું કે, અમે 15મી એપ્રિલથી બુકિંગ કરવાનું શરૂ કરશું. નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી જો કોઈ નવી સૂચના મળે તો અમે તે મુજબ નિર્ણય લેશું. જોકે, એર-એશિયા તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
ગુરૂવારે નાગરિક ઉડ્ડયન સચિવ પ્રદીપસિંહ ખરોલાએ જણાવ્યું હતું કે, એરલાઇન્સ 14મી એપ્રિલ પછી કોઈપણ તારીખ માટે ટિકિટ બુકિંગ લેવા મુક્ત છે. ઉલ્લેખનીય છે કે, 21 દિવસીય દેશવ્યાપી લોકડાઉન 25 માર્ચે શરૂ થયું હતું અને 14મી એપ્રિલના રોજ પુરૂ થાય છે.