એડીઆરના રિપોર્ટ પ્રમાણે ભાજપે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન 296.74 કરોડ રુપિયાનું ફંડ ભેગુ કર્યું હતું. જેમાં 174.16 કરોડ ભાજપ કાર્યાલયે જમા કર્યા તો 122.78 કરોડ રુપિયા ભાજપની મહારાષ્ટ્ર બ્રાન્ચે અને 30 લાખ હરિયાણા બ્રાન્ચે ભેગા કર્યા હતાં.
બીજી બાજુ કોંગ્રેસે 2014માં મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં 84.37 કરોડ રુપિયા ફંડ જમા કર્યુ, જેમાં 16.44 કરોડ રુપિયા કોંગ્રેસ મુખ્યાલય દ્વારા ભેગા કરવામાં આવ્યા હતાં. આજ ક્રમમાં કોંગ્રેસની મહારાષ્ટ્ર યુનિટે 62.44 કરોડ અને હરિયાણા યુનિટે 5.08 કરોડ ભેગા કર્યા હતાં.
એડીઆરના રિપોર્ટ પ્રમાણે જોઈએ તો જેડીએસ અને આરજેડીએ 2014માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લડી હતી. પણ આ બંને પાર્ટીઓના ચૂંટણી ખર્ચ આજ સુધી ચૂંટણી પંચની વેબસાઈટ પર સાર્વજનિક કર્યા નથી.
આ સુપ્રીમ કોર્ટ દ્વારા 4 એપ્રિલ 1996ના (Common Cause vs. Union of India) આપેલા ચૂકાદાનું ઉલ્લંઘન છે. જેમાં આદેશ હતો કે, ચૂંટણી પંચે માન્યતા પ્રાપ્ત તમામ પાર્ટીનું વિવરણનો એક ઢાંચો તૈયાર કરવો.
એડીઆરના સંસ્થાપક જગદીપ છોકરે જણાવ્યું હતું કે, અમારી આ જ અપિલ છે કે, રાજકીય પાર્ટીઓએ પોતાનો નાણાકીય વિવરણ ચૂંટણી પંચને નિર્ધારિત સમયમાં આપી દેવો જોઈએ.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકીય પાર્ટીઓ નિર્ધારિત સમયમાં જો ચૂંટણી ખર્ચનું વિવરણ ન આપે તો, તેમને સજા પણ આપવી જોઈએ.
આગળ જણાવતા છોકરેએ જણાવ્યું કે, ચૂંટણી પંચે સંવિધાન દ્વારા મળેલા અધિકારોનો સંપૂર્ણપણે ઉપયોગ કરવો જોઈએ અને વધારે યોગ્ય નાણાકીય પારદર્શિતા માટે રાજકીય પાર્ટીને ફક્ત ચૂંટણી ખર્ચ જ નહીં પણ સમય મર્યાદાનું પણ ધ્યાન રાખવું જોઈએ.