મુંબઈ: ભારતમાં કોરોના વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે. હાલ દેશમાં કોરોના વાઇરસના કુલ કેસ 170થી વધુ સામે આવ્યા છે. જેમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 49 કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રની ઓફિસોમાં ખાવાનું પહોંચાડતા ડબ્બાવાળાઓએ પોતાની સેવાઓ 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તો કોરોનાને ફેલાતો અટકાવવા મુંબઈની AC લોકલ ટ્રેન બંધ કરાશે.
કોરોના વાઇરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્યપ્રધાન રાજેશ તોપેએ કહ્યું કે, મુંબઈની લાઈફ લાઈન ગણાતી લોકલ ટ્રેન એક કે બે દિવસમાં બંધ કરવા માટે નિર્ણય લેવાઈ શકે છે.
મુંબઈમાં લોકો સૌથી વધારે મુસાફરી લોકલ ટ્રેન મારફતે ફરે છે. ત્યારે હવે સરકાર આ ટ્રેન સેવા બંધ કરવા માટે વિચારી રહી છે.મુંબઈમાં નોકરી કરનારા લોકોને ઘરેથી ડબ્બો લઈને ઓફિસ પહોંચાડવાની સર્વિસ આપનારા ડબ્બાવાળાઓએ પણ પોતાની સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે.