નવી દિલ્હી: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ શુક્રવારે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પરથી 83 કિલો સોનું કબજે કર્યું છે. આ શુદ્ધ વિદેશી સોનાને મ્યાનમારથી ભારત દેશમાં દાણચોરી કરવામાં આવી રહી હતી. ભારતમાં પ્રવેશવા માટે તસ્કરો મણિપુરની આંતરરાષ્ટ્રીય સરહદનો ઉપયોગ કરતા હતાં.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ડીઆરઆઈના દિલ્હી ઝોન દ્વારા જપ્ત કરવામાં આવેલા સોનાનું બજાર મૂલ્ય 43 કરોડની નજીક છે. આ કેસ સાથે સંકળાયેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, ડીઆરઆઈએ 8 લોકોને ઝડપ્યાં હતા. જે શુક્રવારે બપોરે ડિબ્રુગઢ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ દ્વારા નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા હતાં. આ લોકો પાસેથી 83 કિલો વજનની 504 દાણચોરી સોનાની પટ્ટીઓ ઝડપાઈ છે.
એક સૂત્રએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે તેમની ન્યાયિક કસ્ટડી મંજૂર કર્યા બાદ આજે સવારે તમામ આઠ આરોપીઓને જેલમાં મોકલી દેવાયા હતા. આધિકારિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ડીઆરઆઈને કેટલાય મહિનાઓથી ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે આ કાર્યવાહી કરાઈ હતી. ડીઆરઆઈના દિલ્હી ઝોનલ યુનિટના અધિકારીઓએ 28 ઓગસ્ટ, 2020ના રોજ રાજધાની એક્સપ્રેસમાં નવી દિલ્હી આવેલા 8 પ્રવાસીને અટકાવ્યા હતાં.
એક સૂત્રએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, આ પ્રવાસીઓએ પોતાના કપડાંમાં સોનાના બિસ્કિટ છૂપાવ્યાં હતાં. આ દાણચોરો નકલી ઓળખ (આધારકાર્ડ) પર પ્રવાસ કરતા હોવાનું માલુમ પડ્યું હતું. ડીઆરઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુપ્ત માહિતીના મુજબ આ શુદ્ધ વિદેશી સોનાને મ્યાનમારથી ભારતમાં દાણચોરી કરવામાં આવી રહી હતી. ભારતમાં પ્રવેશવા માટે તસ્કરો મણિપુરની આંતરરાષ્ટ્રીય સરહદનો ઉપયોગ કરતા હતાં.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુવાહાટીથી સંચાલિત થતા આ રેકેટ દ્વારા દિલ્હી, કોલકાતા અને મુંબઇ શહેરોમાં સોનું લઈ જવાતું હતું. તસ્કરો સોનાની સ્થાનિક રીતે પરિવહન કરવા માટે હવા, જમીન અને રેલ માર્ગનો ઉપયોગ કરે છે. એક અધિકારીએ જણાવ્યું કે, ઉપરોક્ત 8 લોકોની કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
(વરિષ્ઠ પત્રકાર કૃષ્ણનંદ ત્રિપાઠીનો લેખ)