અકોલાઃ મહારાષ્ટ્રની અકોલા જિલ્લા જેલમાં વધુ 50 કેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જેલમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1498 થઈ છે. આ અંગે જેલના એક અધિકારીએ જણાવ્યું કે, જિલ્લા જેલમાં હાલ કોઈ નવા કેદીને લાવવામાં આવશે નહીં.
આ મામલે અકોલાના ડેપ્યુટી કલેક્ટર સંજય ખડસેએ જણાવ્યું કે, અકોલા જેલમાં 50 કેદી કોવિડ-19 પોઝિટિવ આવ્યા છે. હાલ જેલની અંદર જ આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે, જ્યાં કેદીઓની સારવાર માટે જેલમાં જ બધી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
મહત્વનું છે કે, ભારતમાં મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,59,133 પર પહોંચી છે, જ્યારે 7,273 લોકોના મોત થયા છે. 84,245 લોકો સાજા થઈ ગયા છે અને 67,615 એક્ટિવ કેસ છે. હાલ મહારાષ્ટ્રમાં 5,65,161 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે, જ્યારે 36,925 સંસ્થાગત ક્વોરન્ટાઈનમાં રહે છે. રાજ્યમાં રિકવરી રેટ 52.94 ટકા છે.
મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં સલૂનને ખોલવા માટે એક નોટિફિકેશન જાહેર કર્યું છે. જેમાં કહેવાયું છે કે, સલૂન અને બ્યૂટી પાર્લર અપૉઇન્ટમેન્ટ વગર કામ નહીં કરે. હાલ વાળ કાપવા, હેર ડાઈ, થ્રિડિંગને મંજૂરી આપવામાં આવી છે. મુંબઈના એક સલૂનના માલિકે જણાવ્યું કે, અમે નિયમોનું પાલન કરી રહ્યા છીએ. ઉપયોગ પહેલા દરેક વસ્તુઓને સેનેટાઈઝ કરવામાં આવી રહી છે. સલૂનને પણ દર બે કલાકમાં સેનેટાઈઝ કરાઈ રહ્યું છે.
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, રાજ્યમાં સંક્રમણ વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં લોકડાઉનના પ્રતિબંધો હટાવવાનો સવાલ પેદા નથી થતો. 30 જૂન બાદ પણ પ્રતિબંધ યથાવત રહેશે.