નવી દિલ્હી: રેલવે પ્રધાન પિયુષ ગોયલે કહ્યું કે, શુક્રવારથી દેશભરના લગભગ 1.7 લાખ સામાન્ય સેવા કેન્દ્રો પર ટ્રેનની ટિકિટની બુકિંગ શરૂ થશે. તેમણે કહ્યું કે, આગામી 2-3 દિવસમાં વિવિધ સ્ટેશનોના કાઉન્ટરો પર ફરીથી બુકિંગ શરૂ થશે.
ગોયલે કહ્યું કે, રેલ્વે મંત્રાલય આ સંદર્ભે એક પ્રોટોકોલ વિકસાવી રહ્યું છે. તેમણે કહ્યું, 'અમે આગામી દિવસોમાં વધુ ટ્રેનો ફરી શરૂ કરવાની જાહેરાત કરવા જઈ રહ્યા છીએ. અમે રેલ્વે સ્ટેશનો પર દુકાનો ચલાવવાની પણ મંજૂરી આપી છે. રેલવે પ્રધાને સ્પષ્ટતા કરી હતી કે, આ દુકાનોમાંથી ફક્ત ટેક અવે એટલે કે, સામાન ખરીદવાની જ મંજૂરી આપવામાં આવશે.
ગોયલે જણાવ્યું હતું કે, છેલ્લા અઢી કલાકમાં બીજા વર્ગની પેસેન્જર ટ્રેનો માટે 4 લાખથી વધુ ટિકિટ બુક કરાઇ છે, જે 1 જૂનથી શરૂ થવાની છે.
વધુ માહિતી આપતા તેમણે કહ્યું કે, ઘણા લોકો ઘરે જવા માંગે છે. ઉપરાંત, એવા ઘણા લોકો છે જે શહેરોમાં કામ કરવા માંગે છે જે એક ખૂબ જ સારો સંકેત છે.
કેટલાક રાજ્યોએ પરપ્રાંતિય કામદારોને તેમના ઘરે પાછા મોકલવા માટે ખાસ ટ્રેનો ચલાવવા માટે અમને સહકાર આપ્યો ન હતો. મને લાગે છે કે, આશરે 40 લાખ લોકો છે જેઓ પશ્ચિમ બંગાળ પાછા ફરવા માંગે છે, જોકે હજી સુધી માત્ર 27 સ્પેશિયલ ટ્રેનો રાજ્યમાં પ્રવેશ કરી શકી છે.