ભાવનગર: જિલ્લામાં સિંહોનો વસવાટ છે, ત્યારે ખાસ કરીને વાડી વિસ્તારમાં સિંહોની અવરજવર રહેતી હોય છે. જિલ્લાના મહુવા તાલુકામાં તાર ફેન્સીંગમાં વીજ પ્રવાહ પસાર કરીને ખેડૂતો પોતાના ખેતરના મોલાતની સુરક્ષા કરતા હોય છે. ત્યારે સિંહ વાળા વિસ્તારમાં આ પ્રકારનો વીજ પ્રવાહ પસાર કરવો ગેરકાનૂની છે. જો કે આવી એક ઘટનામાં સિંહનું મૃત્યુ થતાં ખેતરના માલિક સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરાઈ છે.
એક સિંહ મૃત હાલતમાં મળી આવ્યો: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોરડી ગામના વાડી વિસ્તારમાં એક સિંહ મૃત હાલતમાં મળી આવતા પાલીતાણા વન સંરક્ષણ અધિકારી ઘટના સ્થળે દોડી ગયા હતા. પાલીતાણા વન સંરક્ષણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બોરડી ગામના વાડી વિસ્તારમાં ગામના ખેડૂત કલ્પેશ નનાભાઈ નકુમના ખેતરની ફરતે તાર ફેન્સીંગને લઈને નિરીક્ષણ કરતા તાર ફેન્સીંગમાં વીજ પ્રવાહ પસાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, જેને પગલે એક 3 થી 5 વર્ષના સિંહનું મૃત્યુ નિપજ્યું હતું. સિંહના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
FSL અને PGVCL ટીમની તપાસ: મહુવા તાલુકાના બોરડી ગામે મૃત્યુને પગલે જાણ થતાં જ શેત્રુંજી વન સંરક્ષણ અધિકારી FSL ની ટીમ અને PGVCL ની ટીમને સાથે રાખીને પહોંચ્યા હતા અને બનાવની આજુબાજુમાં સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખેતરના માલિક કલ્પેશ નનાભાઈ નકુમના ખેતરમાં ગેરકાયદેસર વીજ પ્રવાહ પસાર કર્યો હોવાથી સિંહનું મૃત્યુ નિપજ્યું હોવાનું પ્રાથમિક સાબિત થતા તેની વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ખેડૂત માલધારીઓને વનવિભાગનો સંદેશ: બોરડી ગામે બનેલા બનાવ બાદ શેત્રુંજી વન સંરક્ષણ અધિકારી દ્વારા ખેડૂત અને માલધારીઓને જાણતા અજાણતા જીવંત વાડ, કાંટાળા તારમાં ગેરકાયદેસર ઇલેક્ટ્રીક વિજપ્રવાહ મૂકવાથી આપણા ગૌરવ સમાન પ્રાણીઓ મોતને ભેટે છે. તેથી તેવું ન કરવા જણાવ્યું છે. વધુમાં જણાવ્યું છે કે, 1972 વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ આ પ્રકારનો બનાવ બિનજામીન પાત્ર ગુનો છે.
આ પણ વાંચો: