બે બાળકીઓ એલ. ટીકીના રેડ્ડી (6 વર્ષ) અને એલ. સોમા રેડ્ડીનું (9 વર્ષ) ગત શુક્રવારે રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. જ્યારે તેની બહેન એલ. બર્ષા રેડ્ડીનું (12 વર્ષ) અહીંની MKCG મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન વહેલી સવારે મૃત્યુ થયું હતું. એમ પરિવારના સભ્યોએ જણાવ્યું હતું. મૃતકના પરિજનોએ જણાવ્યું કે, ટિકિના રેડ્ડી અને સોમા રેડ્ડીના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર મેડિકલ કોલેજમાં બર્ષાનું મોત થયા બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે પોલીસે જણાવ્યું હતું કે, પરિવાર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો કે અન્ય બે બહેનોના મોત અંગે તેઓ જાણતા ન હતા.
શુક્રવારે છોકરીઓને ઉલટી થયા બાદ તેઓ બેભાન થઈ ગઈ હતી અને બાદમાં તેમનું મોત થયું હોવાનું મૃતકના પરિજનોએ જણાવ્યું હતું. વધુમાં તેમના પરિજનોએ કહ્યું કે, મૃતક છોકરીઓ મટિયા બોરેઈ ગામની છે. પરંતુ તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી તેમના દાદાને ત્યાં તુરુબુડી ગામમાં રહેતી હતી. મૃતકના માતા-પિતા રોજીંદુ મજૂરીકામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે.
ગામલોકોના જણાવ્યા મુજબ, મૃતક છોકરીઓ જે ઓરડામાં સૂતી હતી ત્યાં જંતુનાશક દવાઓનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. જેથી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, છોકરીઓના મૃત્યુનું કારણ જંતુનાશક દવા હોઈ શકે છે.
પોલીસના જણાવ્યા મુજબ મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ બર્ષાના મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે.