નવી દિલ્હીઃ હાઈકોર્ટ આજે 2G સ્પેકટ્રમ કેસમાં પૂર્વ કેન્દ્રિય પ્રધાન એ રાજા અને અન્ય આરોપીઓને ટ્રાયલ કોર્ટમાંથી જમાનત આપવાના ચુકાદા વિરુદ્ધ સીબીઆઈ અને ઈડીની અરજી પર સુનાવણી કરશે. છેલ્લા 29 સપ્ટેમ્બરે કોર્ટે આ મામલે જલ્દી સુનાવણી કરવાની અનુમતિ આપી હતી. જસ્ટિસ બ્રજેશ સેઠીની બેંચ આ મામલા પર સુનાવણી કરશે.
સુનાવણી દરમિયાન સીબીઆઈ અને ઇડી દ્વારા કહેવામાં આવ્યું હતું કે જલ્દી સુનાવણીની માંગ જનહિત માટે કરવામાં આવી છે. બીજી તરફ એ. રાજા સહિતના અન્ય આરોપીઓએ કહ્યું હતું કે વહેલી સુનાવણીની માંગ માટે કોઈ ઉચિતતા નથી, કારણ કે હાઇકોર્ટના માર્ગદર્શિકા મુજબ કોરોના સંકટ દરમિયાન નિર્દોષ જાહેર થયાના નિર્ણયની સુનાવણી કરવામાં કોઈ ઉતાવળ ન થવી જોઈએ. 10 સપ્ટેમ્બરે કોર્ટે તમામ આરોપીઓને નોટિસ ફટકારી હતી.
આ કેસમાં સીબીઆઈ અને ઇડીએ એ. રાજા અને કનિમોઝિ સહિતના તમામ 19 આરોપીઓને નિર્દોષ છોડવાના ટ્રાયલ કોર્ટના નિર્ણયને પડકાર્યો છે. 25 મે 2018 ના રોજ કોર્ટે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન એ.રાજા અને કનિમોઝી સહિતના તમામ આરોપીઓને નોટિસ ફટકારી હતી. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ની અપીલ સાંભળતાં હાઈકોર્ટે તમામ આરોપીઓને નોટિસ ફટકારી છે.