નવી દિલ્હી: તબલીગી જમાતનાં વિદેશી સદસ્યોમાંથી 23ને દોષી ઠેરવવામાં આવ્યા છે. આ લોકોએ તેમને બ્લેકલીસ્ટ કરવા અને વિઝા રદ કરવાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. દોષિત વિદેશી તબલીગીઓ પર પર રૂપિયા 5000નો દંડ ફટકારવામાં આવ્યો છે અને બાદમાં તેમને ઘરે જવાની પરવાનગી આપવામાં આવી છે.
અરજદારોએ તેમની સામે લગાવવામાં આવેલા આરોપોને સ્વીકાર્યો હતો કારણ કે, તેઓ સુનાવણીમાં જવા માગતા ન હતા. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે, કુલ અરજદારોમાંથી 9 લોકો કેસ લડવાની ઇચ્છા ધરાવે છે અને તેમના કેસો જુદી જુદી અદાલતોમાં પેન્ડિંગ છે.
જસ્ટિસ એ.એમ.ખાનવિલ્કરની અધ્યક્ષતાવાળી ખંડપીઠે સોલિસિટર જનરલને સુનાવણી વહેલી સમાપ્ત કરવા માટે શું કરી શકાય છે તે અંગે વિચારણા કરવા જણાવ્યું હતું. આ અરજદારોના વકીલે કહ્યું કે, તેમને તેમના પાસપોર્ટ પરત મેળવવામાં મુશ્કેલી આવી રહી છે.કોર્ટે આ કેસ અંગે એસજી પોતાનો જવાબ નહીં આપે ત્યાં સુધી કેસ 31 મી જુલાઇ સુધી મુલતવી રાખ્યો હતો.
કોર્ટ નિઝામુદ્દીન, દિલ્હીમાં તબલીગી જમાત કાર્યક્રમમાં ભાગ લેનારા વિદેશી નાગરિકોની અરજી પર સુનાવણી કરી રહી હતી. તેમના પર કોરોનાને કારણે લગાવાવમાં આવેલા લોકડાઉન અને માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો. જેના કારણે તેમને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમનો વિઝા રદ કરવામાં આવ્યા હતા.