ન્યૂઝ ડેસ્કઃ 15 જૂન 2020ની દુર્ભાગ્યપૂર્ણ રાતે, હવાના સૂસવાટામાં, હિમવત્ ઠંડી ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચે ૧૯૮૮થી સ્થપાયેલાં વિશ્વાસવર્ધક પગલાંના સ્થપતિ હંમેશને માટે શાંત થઈ ગયા. આ દિવસ દાયકાઓથી ઝળૂંબી રહ્યો હતો.
વાસ્તવિક અંકુશ રેખા (એલએસી) પર પ્રબંધનનું સંચાલન કરતા શિષ્ટાચારો અને વિશ્વાસવર્ધક પગલાં (સીબીએમ)ના સ્થપતિ ૧૯૯૪, ૧૯૯૬, ૨૦૦૫ અને ૨૦૧૩ની ચાર સત્તાવાર સમજૂતીઓ હતી. શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે ૧૯૯૩માં થયેલી સમજૂતીમાં નિર્ધારિત કરાયું હતું કે બંને પક્ષો બળનો ઉપયોગ નહીં કરે અથવા બળનો પ્રયોગ કરવાની ધમકી નહીં આપે અને વાસ્તવકિ અંકુશ રેખાનું સન્માન કરશે અને તેને પાળશે. ૧૯૯૬ની સમજૂતીમાં વિશ્વાસવર્ધક પગલાં નિર્ધારિત કરાયાં હતાં અને તે 'યુદ્ધ નહીં'ની સમજૂતી જેવી હતી જેમાં જણાવાયું હતું કે એક પણ પક્ષ બીજાની સામે તેની સૈન્ય ક્ષમતાનો ઉપયોગ નહીં કરે. તેમાં એલએસીના બે કિમીની અંદર કોઈ પણ પ્રકારના ઘાતક રસાયણોના ઉપયોગ, વિસ્ફોટ કાર્યવાહી અથવા બંદૂક અથવા વિસ્ફટકો સાથે શિકાર કરવા પર પણ પ્રતિબંધ મૂકાયો હતો. ૨૦૦૫ના શિષ્ટાચાર (પ્રૉટૉકોલ)ણાં નક્કી કરાયું હતું કે જો બંને પક્ષના સીમા જવાનો વાસ્તવિક અંકુશ રેખા કઈ બાજુએ છે તેના પર મતભેદના કારણએ અથવા અન્ય કોઈ કારણથી સામસામે આવી જાય તો તેવી સ્થિતિમાં તેઓ સ્વનિયંત્રણ રાખશે અને પરિસ્થિતિને વણસતી અટકાવવા તમામ જરૂરી પગલાં લેશે. તેમાં સ્પષ્ટ પણે નિર્ધાર કરાયો હતો કે જો બંને પક્ષના સૈનિકો સામસામે આવી જશે તો તેઓ વિસ્તારમાં તેમની પ્રવૃત્તિઓ અટકાવી દેશે, તેને આગળ નહીં વધારે અને એકસાથે તેમની છાવણીઓમાં પાછા ફરી જશે. સામ-સામે આવે તેવી પરિસ્થિતિ દરમિયાન આખો સમય, તેમાંનો એક પણ પક્ષ બીજા પક્ષની સામે બળનો ઉપયોગ નહીં કરે અથવા બળના પ્રયોગની ધમકી નહીં આપે અને એકબીજા સાથે સજ્જનતાપૂર્ણ વ્યવહાર કરશે અને કોઈ પણ પ્રકારનાં ઉશ્કેરણીજનક કૃત્યોથી વેગળા રહેશે.
વર્ષ ૨૦૧૪ની ભારત-ચીન સીમા સમજૂતીમાં ભારપૂર્વક કહેવાયું હતું કે એક પણ પક્ષ બીજા પક્ષ સામે સૈન્ય ક્ષમતાનો ઉપયોગ નહીં કરે અને તેમની સંબંધિત સૈન્ય તાકાતનો ઉપયોગ બીજા પક્ષ સામે ધમકી આપવા કે હુમલો કરવામાં નહીં કરે. વર્ષોના સામ-સામે આવવાના અનુભવની સાથે એક શરત એ પણ ઉમેરાઈ કે જ્યાં એલએસીની સમજ ન હોય ત્યાં બંને પક્ષ બીજા પક્ષની ચોકી કરનારી ટુકડીનો પીછો નહીં કરે અને તેમને અનુસરશે નહીં. ફરી એક વાર, મહત્તમ સ્વનિયંત્રણ રાખવાની કવાયત પર ભાર મૂકવામાં આવ્યો, કોઈ પણ પ્રકારનાં ઉશ્કેરણીજનક કૃત્યોથી વેગળા રહેવાનું નક્કી કરાયું, એકબીજા સાથે સૌજન્યપૂર્ણ રીતે વ્યવહાર કરવાનું નક્કી કરાયું અને તોપમારો કે શસ્ત્ર સંઘર્ષ ટાળવાનું પણ નિર્ધારાયું.
૧૯૯૬ અને ૨૦૦૫ની સમજૂતીઓએ કાર્યગત શિષ્ટાચારો ઉમેર્યા અને બેનર ડ્રિલ જેવી ચોકી કરતી ટુકડીઓ સામસામે આવી જાય તો તેની કવાયત ઉમેરી. બેનરમાં છાવણીમાં પાછા જાવ તેવું લખાયેલું હોય અને નિયુક્ત સ્થાનોએ સીમા જવાનોની બેઠકો (બીપીએમ)માં તેને અનુસરવાનું નક્કી કરાયું. સાચું કહીએ તો અનેક વાર સામસામે આવવાની સ્થિતિ થઈ છે અને તેમાં આ પ્રક્રિયાને પૂર્ણરીતે અનુસરવામાં આવી હતી. દળો અલગ થઈ જતા અને તેમની સંબંધિત છાવણીઓમાં ચાલ્યા જતા. ઝપાઝપી અને ઘુસ્તા મારવાના છુટાછવાયા બનાવો બનતા. બનતા તો તેની બીપીએમમાં ચર્ચા થતી. એ સ્પષ્ટ રીતે કહેવાવું જોઈએ કે દળો દ્વારા હંમેશાં શસ્ત્રો લઈ જવાતાં, જોકે તે સલામત રીતે અને અનુકૂળ સેના કવાયત પણ અનુસરાતી.
છેલ્લાં આઠ વર્ષણાં અનેક એવા બનાવો બન્યા જેમાં શિષ્ટાચારોનું સાવ ઉલ્લંઘન થયું. આવું રાકી નાલા, ચુમાર, પેંગોંગ ત્સો, ડેમચોક અને ડૉકલામમાં થયું જ્યાં ચીની દળોએ શિષ્ટાચારોના અમલ છતાં પાછા જવાનું નકાર્યું અને સામ-સામે રહેવાની સ્થિતિ લાંબો સમય ચાલી. આના લીધે શિષ્ટાચારો ધીમેધીમે નબળા પડી રહ્યા છે તે સ્પષ્ટ દેખાઈ આવ્યું.
પૂર્વીય લદ્દાખમાં પેંગોંગ ત્સો, ગલવાન ખીણ અને હૉટ સ્પ્રિંગ્સ-ગોગરામાં તાજેતરના બનાવોએ પ્રવર્તમાન શિષ્ટાચાર અને સીબીએમ લગભગ હવે નિષ્ફળ છે તે વાતને સપાટી પર લાવી છે. પહેલાં પેંગોંગ ત્સોમાં અને પછી ૧૫/૧૬ જૂને ગલવાન ખાતે ચીનના દળો દ્વારા લડાઈ અને ઘુસ્તા મારવામાં જંગલીપણું અને ક્રૂરતા દેખાઈ આવી જેમાં તેમણે મધ્ય યુગનાં શસ્ત્રો જેવા કે અણીદાર ડંડા, કાંટાળા તારવાળા સળિયા અને નકલ ડસ્ટર (હાથમાં પહેરીને મારવાનું ધાતુનું શસ્ત્ર)નો ભારતીય દળો સામે ઉપયોગ કર્યો અને સંમેલનો તેમજ શિષ્ટાચારો પ્રત્યે સહેજ પણ માન ન રાખ્યું. તેમની પાસે પહેલેથી આ આદિકાળનાં શસ્ત્રો જેવાં શસ્ત્રો હાજર હતા તે બતાવે છે કે તેમની પૂર્વઆયોજિત યોજના હતી. ભારતીય સેનાએ ગલવાન ખીણમાં ૧૫ જૂન ૨૦૨૦ના રોજ ૨૦ વીર જવાનો ગુમાવ્યા જે ચીન દ્વારા હિંસાનો વરવો નમૂનો છે.
એલએસી પર પ્રબંધનનાં તમામ પાસાંના પુનરાવલોકનનો હવે સમય આવી ગયો છે. ૧૯૮૮ અને ૨૦૦૫ની વચ્ચે સંયુક્ત કાર્યકારી જૂથની ૧૫ બેઠકો અને વિશેષ પ્રતિનિધિઓની ૨૨ બેઠકો છતાં, એલએસીના સીમાંકન પર કોઈ પ્રગતિ નથી થઈ. એ દેખીતું છે કે ચીન આ મામલે આગળ વધવા ઈચ્છા ધરાવતું જ નથી. તે આ પરિસ્થિતિનો ભારત સામે લાભ ઉઠાવવા માગે છે. એલએસી પર ચીન સૌથી અવિશ્વસનીય સાબિત થયું છે. તે સતત ધસી આવે છે અને વધારાનો પ્રદેશ પચાવી પાડે છે અને પછી ખાલી કરવા નકારી દે છે. આમ કરવામાં તે બળનો ઉપયોગ કરતા ખચકાતું નથી. ચીન બાબતે ભરોસાની બહુ મોટી કમી પણ છે.
એ ઓળખી લેવું જોઈએ કે સૈનિકોને ઝળૂંબતા પડકાર સામે તેમની રક્ષા કરવાનો અથવા તો તેમના એકમની રક્ષા કરવાનો અધિકાર છે. તેને વ્યક્તિ અથવા એકમની સ્વ રક્ષા કરવાના અધિકાર તરીકે ઓળખવામાં આવે છે જે સૈનિકોને તાત્કાલિક પડકાર સામે પોતાની રક્ષા કરવા છૂટ આપે છે. તેમાં બળનો ઉપયોગ કરવા પર મર્યાદા નડતી નથી. ચીનની ધમકી ખુલ્લા અંતવાળી હોય છે તે સ્વીકારીએ તો, લડાઈના નિયમો ભારતીય સેનાના સૈનિકોની તરફેણમાં સુધારવા જોઈએ, જેથી જ્યારે જરૂરી હોય ત્યારે વ્યૂહાત્મક રીતે સુરક્ષાત્મ તૈનાતી હાથ ધરી શકાય અને પોતાની અથવા એકમની રક્ષા માટે તોપ-બંદૂકનો ઉપયોગ કરી શકાય. એ ઉલ્લેખ કરવો અત્રે જરૂરી છે કે ચીને જે જૂના જમાનાનાં શસ્ત્રો વાપર્યા છે તે ભારતીય સૈનિક નહીં વાપરે. તે તેમ નહીં જ કરે અને તે રીતે જ તેમનું પ્રશિક્ષણ થયેલું છે.
સેનાના દરેક સૈનિકનું જીવન દેશ માટે ખૂબ જ કિંમતી હોય છે. દેશ તેના સૈનિકોને સીમા સુરક્ષા કરવા કે સંરક્ષણ કરવા માટે રાજદ્વારી શિષ્ટાચારો અને વિશ્વાસવર્ધક પગલાં દ્વારા હાથ બાંધીને મોકલી શકે નહીં. તેના પર પુનર્વિચાર કરી શકાય છે. લડાઈના નવા નિયમો જેમ બને તેમ જલદી ઘોષિત કરવા જોઈએ.