મુંબઈ : અઠવાડિયાની શરુઆતથી જ બજારની દશા બેઠી છે. છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા નબળા પ્રદર્શન સાથે જ ચાલુ સપ્તાહની સપાટ શરુઆત થઈ હતી. આજે શેરમાર્કેટના નબળા પ્રદર્શન બાદ અંતે મોટું ગાબડું પડ્યું હતું. આજે શરુઆતી કારોબારમાં જ BSE Sensex અને NSE Nifty નજીવા વધારા સાથે સપાટ ખુલ્યા હતા. ત્યારબાદ દિવસ દરમિયાન સતત ગગડતા રહીને ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સમાં 825 પોઈન્ટનો કડાકો બોલ્યો છે. NSE Nifty ઈન્ડેક્સ પણ 261 પોઈન્ટ ઘટીને 19,281 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, છેલ્લા ચાર દિવસથી બજારમાં નેગેટીવ વલણ રહ્યું હતું. જેમાં રોકાણકારોના રુ. 12 લાખ કરોડ ડૂબ્યા હોવાનો અંદાજ છે.
BSE Sensex : આજે 23 ઓક્ટોબર સોમવારના રોજ ટ્રેંડિગ સેશનના અંતે BSE Sensex 825 પોઈન્ટના (-1.26 %) કડાકા સાથે 64,571 પોઈન્ટ પર બંધ થયો હતો. આજે શરુઆતી કારોબારમાં BSE Sensex ઘટાડા સાથે 65,419 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતમાં 65,453 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. જોકે ત્યારબાદ સતત નીચે તરફ ગગડતો રહી 951 પોઈન્ટની ડૂબકી મારી 64,502 ના મથાળે ડાઉન જઈ અંતે રેડ ઝોનમાં બંધ થયો હતો.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 261 પોઈન્ટ (1.34 %) તુટીને 19,281 પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 19,521 ના મથાળે ખુલ્યો સપાટ હતો. ટ્રેંડિંગ સેશનની શરુઆતમાં નિફ્ટી ઇન્ડેક્સે 19,556 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. જોકે ત્યારબાદ સતત વેચવાલી વચ્ચે ઈન્ડેક્સ 299 પોઈન્ટ ઘટીને 19,257 સુધી ડાઉન ગયો હતો. ભારે વેચવાલી વચ્ચે આખરે NSE Nifty પણ રોકાણકારોને મોટું નુકસાન આપી લાલ રંગના નિશાનમાં બંધ થયો હતો.
માર્કેટ કેપ ઘટ્યું : આજે શેરબજારમાં સતત ચોથા દિવસે વેચવાલી નોંધાઈ હતી. જેના કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપમાં લગભગ 12 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. 23 ઓક્ટોબરે માર્કેટકેપ રૂ. 312 લાખ કરોડની નીચે સરકી ગયો છે. જ્યારે 17 ઓક્ટોબરે બજાર બંધ થયા પછી લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 323.87 લાખ કરોડ હતું. સોમવારે બજારમાં સૌથી વધુ વેચાણ કરનારાઓમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોનો સમાવેશ થાય છે.
કોણ કેટલા પાણીમાં : સેન્સેક્સમાં સૌથી વધુ ઊંચકાયેલા ટોપ ગેઈનર શેરમાં બજાજ ફાઇનાન્સ (0.36 %) અને એમ એન્ડ એમ (0.35 %) નો સમાવેશ થાય છે. જ્યારે સૌથી વધુ ગગડેલા ટોપ લુઝર શેરમાં ટીસીએસ (-1.63 %), ટાટા સ્ટીલ (-1.58 %), લાર્સન (-1.44 %), એનટીપીસી (-1.41 %) અને બજાજ ફિનસર્વનો (-1.31 %) સમાવેશ થાય છે.
માર્કેટમાં બેરિશ વલણ : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 169 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1980 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ રિલાયન્સ, HDFC બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને SBI ના સ્ટોક રહ્યા હતા.