નવી દિલ્હીઃ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા દેશના ટોચના કુસ્તીબાજો હવે બ્રિજભૂષણ શરણ સિંહને ચારે બાજુથી ઘેરવાની તૈયારી કરી રહ્યા છે. કુસ્તીબાજોના વલણ પરથી લાગી રહ્યું છે કે, બ્રિજ ભૂષણની મુસીબતો ટૂંક સમયમાં વધવાની છે. બ્રિજ ભૂષણ પર યૌન શોષણનો આરોપ લગાવનારા કુસ્તીબાજો હવે તેને સજા અપાવવાની તૈયારી કરી રહ્યા છે. કુસ્તીબાજો શનિવારે રાત્રે 11 વાગ્યે ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. આ બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી.
ધરણા પ્રદર્શનની શરૂઆત: કુસ્તીબાજોએ 18 જાન્યુઆરીએ જંતર-મંતર પર તેમના ધરણા પ્રદર્શનની શરૂઆત કરી હતી અને હવે પ્રદર્શનના 140 દિવસ બાદ કુસ્તીબાજો ગૃહમંત્રીને મળ્યા છે. તમને એ પણ જણાવી દઈએ કે કુસ્તીબાજોએ સરકારને તેમની વાત માનવા માટે 9 જૂન સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. તાજેતરમાં કુસ્તીબાજોએ તેમનું પ્રદર્શન વધુ તેજ કર્યું છે, કુસ્તીબાજોને હવે વિપક્ષના નેતાઓ તેમજ દેશના ઘણા મોટા ખેલાડીઓ અને કલાકારોનો ટેકો મળ્યો છે.
નવું સંસદ ભવન દેશને સમર્પિત: છેલ્લા કેટલાક દિવસોમાં કુસ્તીબાજોના પ્રદર્શન પર નજર કરીએ તો 28 મેના રોજ નવું સંસદ ભવન દેશને સમર્પિત કરવામાં આવ્યું હતું. આ દિવસે, જ્યારે કુસ્તીબાજોએ નવી સંસદ ભવન સામે મહાપંચાયતમાં જવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા. જે પછી, 29 મેના રોજ, કુસ્તીબાજોએ તેમના જીતેલા ચંદ્રકોને ગંગામાં વહેવડાવવા અને ઇન્ડિયા ગેટ પર આમરણાંત ઉપવાસ કરવાનું નક્કી કર્યું.
5 દિવસનું અલ્ટીમેટમ: કુસ્તીબાજો 30 મેના રોજ હરિદ્વાર પહોંચ્યા અને તેમના જીતેલા મેડલને ગંગામાં પધરાવવા હર કી પૌરી ગયા, જ્યાં ભાકિય પ્રમુખ અને ખેડૂત નેતા નરેશ ટિકૈતની સમજાવટ પર, તેઓએ સરકારને 5 દિવસનું અલ્ટીમેટમ આપીને પોતાનો નિર્ણય મોકૂફ રાખ્યો. 2જી જૂને કુરુક્ષેત્રમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારને 9મી જૂન સુધીમાં બ્રિજભૂષણની ધરપકડ કરવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહને મળ્યા બાદ બજરંગ પુનિયાએ રવિવારે સોનીપતમાં યોજાનારી સર્વ સમાજની મહાપંચાયતને મોટો નિર્ણય લેતા અટકાવી દીધી છે.