હૈદરાબાદઃ તેલંગાણામાં કૉંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક સંપન્ન થઈ છે. આ બેઠકમાં કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ એ. રેવંત રેડ્ડીએ એક સંકલ્પ પ્રસ્તાવ પસાર કર્યો હતો. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મુખ્ય પ્રધાનની પસંદગી કરશે તેવો ઉલ્લેખ છે. આ પ્રસ્તાવ પર કૉંગ્રેસના એન ઉત્તમકુમાર રેડ્ડી, કે. વેંકટ રેડ્ડી અને કોંડા સુરેશ સહિત દરેક નેતાઓએ સમર્થન આપ્યું છે.
આ બેઠકનું સુપરવિઝન કર્ણાટકના ઉપ મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમારે કર્યુ હતું. બેઠક બાદ શિવકુમારે જણાવ્યું કે પાર્ટી અધ્યક્ષને આ સંકલ્પ પ્રસ્તાવ અંગે જાણ કરવામાં આવશે. ત્યારબાદ તેઓ નિર્ણય લેશે. અમે ધારાસભ્યોની સલાહ પણ ધ્યાને લીધી છે. આ સમગ્ર બેઠકમાં ચૂંટાયેલા ધારાસભ્યોએ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે તેલંગાણામાં કૉંગ્રેસ 65 વિધાનસભા બેઠક જીતી છે જ્યારે બીઆરએસના ખાતામાં 38 બેઠકો આવી છે. 8 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. જ્યારે બાકીની બેઠકો અન્ય પક્ષના ફાળે ગઈ છે. બીઆરએસની હાર બાદ કેસીઆરે રાજ્યપાલને મુખ્ય પ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે રાજ્યમાં નવી સરકારની રચના થશે.
તેલંગાણામાં કૉંગ્રેસ નવી સરકાર રચવા જઈ રહી છે ત્યારે તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સાથે કૉંગ્રેસના એક પ્રતિનિધિ મંડળની મોડી રાત સુધી મુલાકાત ચાલી હતી. સોમવાર સવારે કૉંગ્રેસના ચૂંટાયેલ ધારાસભ્યોની બેઠક થઈ હતી. જેમાં રાજ્યના મુખ્ય પ્રધાન સંદર્ભે ચર્ચા થઈ હતી.
રવિવારે મોડી રાત સુધી ચાલેલ મતગણતરી બાદ બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થયું હતું. તેલંગાણાના એલબી સ્ટેડિયમમાં 9 ડિસેમ્બરે શપથ ગ્રહણ સમારંભ યોજાશે. જો કે તેની કોઈ આધિકારીક સૂચના મળી નથી. પાડોશી રાજ્ય કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન અને સુપરવાઈઝર ડી કે શિવકુમાર, એઆઈસીના સ્ટેટ અફેર્સના સુપરવાઈઝર દીપાદાસ મુંશી, પ્રભારી ઠાકરે, પીસીસી અધ્યક્ષ રેવંત રેડ્ડી, સાંસદ ઉત્તમ કુમાર રેડ્ડી, પૂર્વ સાંસદ મલ્લુરાવીએ રવિવાર રાતે ચૂંટાયેલ ધારાસભ્યો સાથે બેઠક કરવાનો નિર્ણય કર્યો હતો.
ચૂંટણી પંચના સીઈઓએ સોમવારે રાજ્યપાલને રુબરુ મળીને ચૂંટાયેલ ધારાસભ્યોની યાદી સોંપશે. હાલની વિધાનસભા રદ કરવાના રાજ્યપાલના આદેશ બાદ નવા મુખ્ય પ્રધાનનો શપથ ગ્રહણ સમારંભ યોજાશે. આ સમારંભમાં મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત અનેક કૉંગ્રેસ અગ્રણી ઉપસ્થિત રહેશે.