કલબુર્ગીઃ કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં જીત અને કૉંગ્રેસ સરકાર રચાશે તેવો દાવો કર્યો છે. ખડગેએ કહ્યું કે સૌથી જૂની પાર્ટી પાંચ રાજ્યોમાં સરકાર બનાવશે. આ દરેક રાજ્યોમાં કેન્દ્રમાં રહેલી ભાજપ સરકાર વિરોધી લહેર છે. તેથી જનતા આ વખતે કૉંગ્રેસને ચૂંટશે. કલબુર્ગીમાં એએનઆઈ(ANI) સાથે વાત કરતા જણાવ્યું કે છત્તીસગઢ અને રાજસ્થાનમાં કૉંગ્રેસ નેતૃત્વવાળી સરકાર પોતાનું કામ યોગ્ય રીતે કરી રહી છે. આ રાજ્યની જનતા રાજ્ય સરકારથી ખુશ છે.
મતગણતરી 3 ડિસેમ્બરેઃ ઉલ્લેખનીય છે કે નવેમ્બરમાં તેલંગાણા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમમાં એક કે બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી થવાની છે. મિઝોરમમાં 7 નવેમ્બર, છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બર, મધ્ય પ્રદેશમાં 17 નવેમ્બર, રાજસ્થાનમાં 25 નવેમ્બર અને તેલંગાણામાં 30 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી થવાની છે. આ દરેક રાજ્યોમાં મતગણતરી 3 ડિસેમ્બરે થશે.
કૉંગ્રેસની તૈયારીઓઃ ખડગેએ ANIને જણાવ્યું કે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે કૉંગ્રેસ પૂરજોશમાં તૈયારીઓ કરી રહી છે. અમને વિશ્વાસ છે કે અમે દરેક રાજ્યોમાં જીત મેળવીશું. જનતા મોંઘવારી અને બેરોજગારીથી પરેશાન છે. આ કારણથી ભાજપ વિરોધી લહેર જોવા મળી રહી છે. મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણ સરકારથી પણ જનતા ત્રસ્ત છે.
ભાજપ પર વાકપ્રહારઃ કૉંગ્રેસ અધ્યક્ષે ભાજપે પર આક્ષેપ કર્યા છે કે ભાજપે ચૂંટણીમાં આપેલા વચનો પૂરા કર્યા નથી. બેરોજગારી, ખેડૂતોની આવક બમણી અથવા રોકાણ અંગેના વચનો ભાજપે પૂરા કર્યા નથી. મલ્લિકાર્જુન ખડગ પોતાના હોમ ડિસ્ટ્રિક્ટ કર્ણાટકના કલબુર્ગી જિલ્લાના પ્રવાસે છે. તેમણે કેન્દ્ર સરકાર કર્ણાટકની ઉપેક્ષા કરી રહી હોવાનો આક્ષેપ પણ કર્યો છે. કર્ણાટકને કેન્દ્ર સરકાર કોઈ પરિયોજના ફાળવતી નથી. છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કૉંગ્રેસ અને ભાજપ પ્રમુખ હરિફો છે. તેલંગાણામાં ભારત રાષ્ટ્ર સમિતિ, કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે ત્રિકોણીય જંગ થવાનો છે.