નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કલમ 370 અને 35 એ પર 11 ડિસેમ્બરે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદાથી ભારતની અખંડીતતા અને સંપ્રભુતાને યથાવત રાખી છે. જેને દરેક ભારતીય હંમેશા આવકારશે. સુપ્રીમ કોર્ટનું આ કહેવું યોગ્ય છે કે 5 ઓગસ્ટ 2019ના રોજ લીધેલ નિર્ણયએ બંધારણીય એકીકરણને પ્રોત્સાહન આપવા લેવામાં આવ્યો હતો. આ નિર્ણય વિઘટન માટે લેવામાં આવ્યો નહતો. સુપ્રીમ કોર્ટ સારી રીતે સમજે છે કે કલમ 370નું સ્વરુપ સ્થાયી નહતું.
જમ્મુ, કાશ્મીર અને લદાખની સુંદર અને શાંત ખીણો, બરફથી ઢંકાયેલા પહાડ પેઢીઓથી કવિઓ અને કલાકારો તેમજ દરેક ભારતીયને આકર્ષે છે. આ વિસ્તાર દરેક રીતે અભૂતપૂર્વ છે. જ્યાં હિમાલય આકાશને સ્પર્શે છે, જ્યાં સરોવર અને નદીઓનું પાણી સ્વર્ગના દર્પણ સમાન છે. જો કે છેલ્લા કેટલાક સમયથી જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોએ એવી હિંસા અને અસ્થિરતા જોઈ કે જેની કલ્પના કરવી મુશ્કેલ છે. આ સ્થિતિ એટલી ભયંકર હતી કે જમ્મુ કાશ્મીરના પરિશ્રમી, પ્રકૃતિ પ્રેમી અને પ્રેમાળ લોકો આ સ્થિતિનો ક્યારેય સામનો જ કરવા માંગતા નહતા.
જો કે કમનસીબે આ વિસ્તાર આર્થિક અને માનસિક રીતે પરાધીન રહેવાને કારણે અહીંનો સમાજ એક પ્રકારે ભ્રમિત થયો. અત્યંત પાયાના વિષયો પર સ્પષ્ટ દ્રષ્ટિકોણ અપનાવાને બદલે દુવિધાની સ્થિતિને લીધે વધુ ભ્રમ ઉત્પન્ન થયો. અફસોસની વાત એ છે કે જમ્મુ કાશ્મીરને આ રીતની માનસિકતાથી વ્યાપક નુકસાન થયું.
દેશ આઝાદ થયો ત્યારે રાજકીય નેતૃત્વ પાસે રાષ્ટ્રીય એક્તા માટે નવી શરુઆત કરવાનો વિકલ્પ હતો. પરંતુ તે સમયે ભ્રમિત સમાજનો દ્રષ્ટિકોણ યથાવત રખાયો. તેના કારણે દીર્ઘકાલીન રાષ્ટ્રીય હિતોની અનદેખી કરવી પડી.
મારા જીવનના શરુઆતના દિવસોમાં જમ્મુ-કાશ્મીર સાથે સંકળાયેલા રહેવાનો મોકો મળ્યો. હું હંમેશા માનતો આવ્યો છું કે જમ્મુ કાશ્મીર એક રાજકીય મુદ્દો નથી પરંતુ સમાજની આકાંક્ષાઓને પૂરી કરવાનો વિષય છે. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને નેહરુ મંત્રી મંડળમાં એક મહત્વપૂર્ણ વિભાગ મળ્યો હતો. તે ઘણા લાંબા સમય સુધી સરકારમાં રહી શક્યા હોત. છતાં પણ તેમણે કાશ્મીર મુદ્દે મંત્રી મંડળનું છોડી દીધું અને કપરો માર્ગ અપનાવ્યો. તેમને પોતાનો જીવ ખોવો પડ્યો પરંતુ તેમના બલિદાનને પરિણામે કરોડો ભારતીયો કાશ્મીર મુદ્દા સાથે ભાવનાત્મક રીતે જોડાઈ ગયા.
તેના અનેક વર્ષો બાદ શ્રીનગરમાં અટલજીએ જાહેર સભામાં માનવતા, જમ્હુરિયત અને કશ્મીરિયતનો પ્રભાવશાળી સંદેશો આપ્યો. જે હંમેશા પ્રેરણાનો મહાન સ્ત્રોત રહ્યો છે. મારો હંમેશા દ્રઢ વિશ્વાસ રહ્યો છે કે જમ્મુ કાશ્મીરમાં જે થયું તે આપણા દેશ અને આ વિસ્તારના લોકો સાથે વિશ્વાસઘાત સમાન હતું. અહીંના લોકો સાથે જે બન્યું તે અન્યાય દૂર કરવા હું જે કરી શકું તે કરવાની મારી અદમ્ય ઈચ્છા હતી. હું હંમેશા જમ્મુ કાશ્મીરના લોકોની પીડા ઓછી કરવા માટે કામ કરવા માંગતો હતો.
સરળ શબ્દોમાં કહીએ તો કલમ 370 અને 35 એ જમ્મુ, કાશ્મીર અને લદાખની સામે મોટા વિઘ્નો સમાન હતા. આ કલમ એક અતૂટ દિવાલની જેમ હતી જે ગરીબ, વંચિત, દલિત, પછાત અને મહિલાઓ માટે પીડાદાયક હતી. કલમ 370 અને 35એ ને લીધે જમ્મુ કાશ્મીરના લોકોને બાકી દેશવાસીઓને મળ્યો તે અધિકાર અને વિકાસ ન મળી શક્યો. આ કલમને લીધે એક જ રાષ્ટ્રના લોકો વચ્ચે અંતર પેદા થઈ ગયું. આ અંતરને પરિણામે આપણા દેશના અનેક લોકો જે જમ્મુ કાશ્મીરની સમસ્યાઓને ઉકેલવા કામ કરવા માંગતા હતા તેઓ પાછા પડતા હતા. ભલે આ લોકોએ આ વિસ્તારમાં રહેતા લોકોની પીડા રુબરુ અનુભવી હોય.
એક કાર્યકર્તાના રુપે મેં છેલ્લા અનેક દસકાઓથી આ મુદ્દાને નજીકથી જોયો અને પારખ્યો છે. એક વાત પર મને વિશ્વાસ હતો કે જમ્મુ કાશ્મીરના લોકો પોતાની મહેનત અને કૌશલ્યથી વિકાસ કરીને ભારતના વિકાસમાં યોગદાન કરવા માંગે છે. તેઓ પોતાના બાળકો માટે બહેતર જીવનધોરણ ઈચ્છતા હતા. એક એવું જીવન જે હિંસા અને અનિશ્ચિતતાથી મુક્ત હોય. આ રીતે જમ્મુ કાશ્મીરના લોકોની સેવા કરતી વખતે અમે ત્રણ બાબતોને પ્રાધાન્ય આપ્યું. નાગરિકોની ચિંતાને સમજવી, સરકારના વિકાસકાર્યોના માધ્યમથી પારસ્પરિક વિશ્વાસ નિર્માણ કરવો તથા વિકાસ, નિરંતર વિકાસને પ્રાથમિકતા આપવી.
મને યાદ છે કે 2014માં અમે સત્તા સંભાળી ત્યારે જમ્મુ કાશ્મીરમાં એક વિનાશકારી પૂર આવ્યું હતું. જેનાથી કાશ્મીર ખીણને બહુ નુકસાન થયું હતું. ત્યારે કેન્દ્ર સરકારે 1000 કરોડની સહાય જાહેર કરી હતી. જેનાથી અહીંની જનતામાં સ્પષ્ટ સંદેશ ગયો કે સંકટ દરમિયાન કેન્દ્ર સરકાર કાશ્મીરના લોકોની મદદ કરવા સંવેદનશીલ છે. જમ્મુ અને કાશ્મીરની વિકાસયાત્રાને વધુ સઘન કરવા અમારા પ્રધાનો અહીંની વારંવાર મુલાકાત કરી અને નાગરિકો સાથે સીધો સંવાદ કર્યો. આ પ્રવાસને લીધે જમ્મુ કાશ્મીરમાં સદભાવના યથાવત રહી.
અમે રમતગમત ક્ષેત્રે યુવાનોના સપના સાકાર કરવા માટે જમ્મુ કાશ્મીરનો ભરપૂર સદુપયોગ કર્યો. વિવિધ રમતોના માધ્યમથી અમે યુવાનોને પ્રોત્સાહન પૂરુ પાડ્યું. આ દરમિયાન વિવિધ સ્પોર્ટ્સ પ્લેસનું આધુનિકીકરણ કરવામાં આવ્યું. ટ્રેનિંગ યોજાઈ. તેમજ સ્પોર્ટ્સ ટીચરની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી. સ્થાનિક સ્તરે ફૂટબોલ કલબની સ્થાપના એ સૌથી અનોખી બાબત છે. પંચાયત ચૂંટણીઓ આ ક્ષેત્રમાં સર્વાંગી વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગથિયું સાબિત થઈ. એકવાર ફરીથી અમારી સામે સત્તામાં રહેવા કે પોતાના સિદ્ધાંતો પર કાયમ રહેવાનો વિકલ્પ આવ્યો હતો. અમે સરકાર છોડીને અમારા સિદ્ધાંતોને મહત્વ આપ્યું. પંચાયત ચૂંટણીઓની સફળતાએ જમ્મુ કાશ્મીરની જનતામાં લોકશાહીની ચિનગારીને પ્રજ્જવલિત કરી.
5 ઓગસ્ટનો ઐતિહાસિક દિવસ દરેક ભારતીયોના મન અને હૃદયમાં વસેલો છે. આપણી સંસદે કલમ 370ને રદ કરવાનો ઐતિહાસિક પ્રસ્તાવ મંજૂર કર્યો. ત્યારથી જમ્મુ કાશ્મીર અને લદાખમાં ઘણું પરિવર્તન આવ્યું છે. ન્યાયિક કોર્ટનો ચુકાદો 2023માં આવ્યો છે પરંતુ જમ્મુ કાશ્મીર અને લદાખે વિકાસની ગતિને જોતા જનતાએ ચાર વર્ષ અગાઉ જ કલમ 370 અને 35એને રદ કરવાના નિર્ણયને વધાવી લીધો હતો.
રાજકીય સ્તરે છેલ્લા 4 વર્ષોમાં જમીની સ્તર પર લોકશાહીમાં જનતાએ ફરીથી વિશ્વાસ મુક્યો છે. મહિલાઓ, આદિવાસીઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સમાજના અનેક વંચિત વર્ગોએ તેમનો હક મેળવ્યો નહતો. લદાખની આકાંક્ષાઓને પણ નજરઅંદાજ કરવામાં આવી હતી. પરંતુ 5 ઓગસ્ટ 2019ના દિવસે બધુ જ સમૂળગુ બદલી કાઢ્યું. કેન્દ્ર સરકારની યોજનાઓએ 100 ટકા લક્ષ્યાંકો હાંસલ કર્યા છે. આ યોજનાઓમાં સમાજના દરેક વર્ગોને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં સૌભાગ્ય અને ઉજ્જવલા યોજનાઓ સામેલ છે. આવાસ, નલ સે જલ યોજનાને લીધે નાગરિકોનું જીવન બહેતર બન્યું છે. લોકો માટે મોટા પડકાર એવા આરોગ્ય ક્ષેત્રે પણ પાયાગત માળખાનો વિકાસ કરવામાં આવ્યો. દરેક ગામોએ જાહેરમાં શૌચ મુક્ત દરજ્જો મેળવ્યો.
સુપ્રીમ કોર્ટે 11 ડિસેમ્બરના પોતાના ચુકાદામાં એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત કરી છે. તેને આપણને યાદ અપાવ્યું કે એકતા અને સુશાસન માટે સંયુક્ત પ્રતિબદ્ધતા આપણી ઓળખ છે. આજે જમ્મુ કાશ્મીર લદાખમાં જન્મ લેનાર પ્રત્યેક બાળકને સ્વચ્છ વાતાવરણ મળશે. જેમાં જીવંત આકાંક્ષાઓ ભરેલા પોતાના ભવિષ્યને તે સાકાર કરી શકશે. આજે લોકોના સપના વીતેલા કાળના મોહતાજ નથી. જમ્મુ કાશ્મીરમાં મોહભંગ, નિરાશા અને હતાશાની જગ્યાએ હવે વિકાસ, લોકશાહી અને ગરીમા જોવા મળે છે.