નવી દિલ્હી : રાઉઝ એવન્યુ કોર્ટમાં બુધવારે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના (WFI) આઉટગોઇંગ પ્રેસિડેન્ટ અને મહિલા રેસલર યૌન ઉત્પીડન કેસના આરોપી બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે આરોપ ઘડવા અંગે ચર્ચા થઈ હતી. આ દરમિયાન બ્રિજ ભૂષણના વકીલ રાજીવ મોહને ચાર્જશીટમાં દિલ્હી પોલીસ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ખોટા અને ષડયંત્રથી ભરેલા ગણાવ્યા હતા. તેઓએ કહ્યું કે, જે રીતે સગીર મહિલા રેસલરે તેના આરોપને ખોટો ગણાવીને પાછો લીધો છે. તેવી જ રીતે આ છ મહિલા કુસ્તીબાજોના આરોપ પણ ખોટા છે.
આરોપો પર દલીલ : વકીલ રાજીવ મોહને બ્રિજભૂષણની તરફેણમાં ઘણી દલીલો રજૂ કરી હતી. આ દરમિયાન બ્રિજભૂષણ શરણસિંહ પણ કોર્ટમાં હાજર થયા હતા. બ્રિજભૂષણ હળવા લીલા કુર્તા અને સફેદ ધોતી અને ગળામાં દુપટ્ટો પહેરીને કોર્ટમાં હાજર થયા હતા. આ દરમિયાન કોર્ટની બહાર અને અંદર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ કેસ અંગે દિલ્હી પોલીસ વતી સરકારી વકીલ અતુલ શ્રીવાસ્તવે કહ્યું કે, ચાર્જશીટમાં લગાવવામાં આવેલા આરોપો અંગે સાક્ષીઓ અને પુરાવા છે. આ મામલે 10 અને 11 ઓગસ્ટે પણ ચર્ચા ચાલુ રહેશે.
ચાર્જશીટ પર ચર્ચા : ઉલ્લેખનીય છે કે, 3 ઓગસ્ટના રોજ કોર્ટે ચાર્જશીટ પર ચર્ચા માટે 9 થી 11 ઓગસ્ટનો સમય આપ્યો છે. આ પહેલા 28 જુલાઈએ બ્રિજ ભૂષણને કોર્ટ દ્વારા વ્યક્તિગત હાજરીમાંથી એક દિવસની છૂટ આપવામાં આવી હતી. ત્યારબાદ આજે બ્રિજભૂષણ શરણસિંહ અને ભૂતપૂર્વ WFI સહાયક સચિવ વિનોદ તોમર બંને એડીશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (ACMM) હરજીત સિંહ જસપાલની કોર્ટમાં હાજર થયા હતા. બ્રિજભૂષણ વતી એડવોકેટ રાજીવ મોહન ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન કોર્ટે આરોપો પર દલીલ માટે 9, 10 અને 11 ઓગસ્ટની તારીખ નક્કી કરી હતી.
આરોપીને જામીન : એડવોકેટ રાજીવ મોહને જણાવ્યું કે, દિલ્હી પોલીસ તરફથી મળેલા દસ્તાવેજો અને ચાર્જશીટની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે. હવે કેટલાક દસ્તાવેજોની વધુ સારી નકલો માંગી છે. પરંતુ તે તપાસ અધિકારી (IO) પાસેથી તેમની સોફ્ટ કોપી લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 20 જુલાઈના રોજ બંને આરોપીઓને કોર્ટમાં હાજર કર્યા બાદ નિયમિત જામીન આપ્યા હતા.
200 સાક્ષીના નિવેદન : 15 જૂને દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ અને વિનોદ તોમર વિરુદ્ધ રૂઝ એવન્યુ કોર્ટમાં એક હજારથી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં તોમરને કલમ 354 (મહિલાની ગરીમાને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી હુમલો), 354 A (જાતીય સતામણી), 354 D (પીછો કરવો) અને IPC કલમ 109 (ઉશ્કેરણી કરનાર અધિકારી), 354, 354 A અને 506 (ગુનાહિત ધમકી) હેઠળ આરોપ લગાવવામાં આવ્યા છે. ચાર્જશીટમાં લગભગ 200 સાક્ષીઓના નિવેદનો સામેલ છે. કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR માં છ મહિલા કુસ્તીબાજો દ્વારા જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.