નવી દિલ્હી: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના આરોપો પર પલટવાર કરતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે રાજસ્થાન જેવું શાંતિપૂર્ણ અને સુરક્ષિત રાજ્ય અશોક ગેહલોતની સરકાર દરમિયાન છેલ્લા 4 વર્ષમાં મહિલાઓ સામેના ગુનાઓની બાબતમાં દેશનું નંબર વન રાજ્ય બની ગયું છે. બિહાર અને બંગાળમાં પણ મહિલાઓ વિરુદ્ધ અપરાધની ઘટનાઓ વધી રહી છે. પરંતુ, ગઠબંધનની વાતો કરનારાઓ મૂક પ્રેક્ષક બની રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને ગાંધી પરિવારના લોકો પણ મૌન છે, તેઓ મૂક પ્રેક્ષક બનીને રહ્યા છે.
આકરા પ્રહાર: મહિલાઓ સામેના ગુનાઓમાં રાજસ્થાન નંબર 1 છે અને બંગાળ પણ પાછળ નથી, એમ ઠાકુરે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પર તેમના પોતાના રાજ્યની મહિલાઓ માટે કોઈ 'મમતા' (સ્નેહ) ન હોવાનો આરોપ મૂકતા જણાવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે મહિલાઓ સામે બળાત્કાર, હત્યા અને હુમલાની ઘટનાઓ ચાલુ હોવા છતાં આ રાજ્યોના વડાઓ મૂંગા દર્શક બની રહ્યા છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય છે અને આવી ઘટનાઓની ફરિયાદો પર પગલાં લેવાની જવાબદારી સંબંધિત રાજ્યોની છે.
રાજસ્થાનની કાનૂન વ્યવસ્થા પર સવાલ: ભાજપના રાષ્ટ્રીય મુખ્યાલયમાં પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં રાજસ્થાનમાં મહિલાઓ વિરુદ્ધ એક લાખ 9 હજાર ગુનાઓ આચરવામાં આવ્યા છે. છેલ્લા ચાર વર્ષમાં રાજ્યમાં 33,000 મહિલાઓ પર બળાત્કાર થયો છે અને સમગ્ર દેશમાં બળાત્કારની 22 ટકા ઘટનાઓ રાજસ્થાનમાં છે.
અન્ય રાજ્યો પર સવાલ: કાયદો અને વ્યવસ્થાને રાજ્યનો વિષય ગણાવતા, ઠાકુરે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તમામ રાજ્ય સરકારોને મહિલા સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાના મામલામાં કડક પગલાં લેવા જણાવ્યું હતું. પરંતુ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના આદેશ પર કડક પગલું ભરતા રાજસ્થાન સરકારે પોતાના જ એક મંત્રીને સત્ય બોલવા બદલ સરકારમાંથી કાઢી મૂક્યા છે. બિહાર અને પશ્ચિમ બંગાળમાં મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા અપરાધોનો ઉલ્લેખ કરીને તેમણે મમતા બેનર્જી, નીતીશ કુમાર અને તેજસ્વી યાદવની ટીકા કરતા કહ્યું કે, ગઠબંધનની વાત કરતા રાજકીય પક્ષો મહિલાઓની સુરક્ષા અંગે સંપૂર્ણ રીતે મૌન છે, તેમના મોઢામાંથી એક પણ શબ્દ નીકળતો નથી.