કોટાઃ રાજસ્થાનના કોટામાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના સમાચાર વારંવાર સામે આવી રહ્યા છે. ત્રણ દિવસ અગાઉ જ પશ્ચિમ બંગાળના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ હવે મૂળ ઉત્તર પ્રદેશની વતની અને કોટામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઉત્તર પ્રદેશના ઓરિયા જિલ્લાના નગલા જોધા વિસ્તારની રહેવાસી એવી 22 વર્ષીય નિશાએ કોટામાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. અસન સિંહ યાદવની આ દીકરી મહાવીરનગર સ્થિત એક હોસ્ટેલમાં રુમ ભાડે રાખીને અભ્યાસ કરી રહી હતી. તેણી સિટીમોલ વિસ્તારના એક ખાનગી કોચિંગ ઈન્સ્ટિટ્યૂટમાં નીટની પરીક્ષા માટે તૈયારીઓ કરી રહી હતી. કોટાના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી આ વિદ્યાર્થીની ખાનગી કોચિંગ ક્લાસમાં મેડિકલ એન્ટ્રેસ એક્ઝામ નીટની તૈયારી કરી રહી હતી.
સમગ્ર ઘટનાક્રમઃ રાત્રે નિશાએ પોતાના પરિવારજનોનો ફોન અટેન્ડ કર્યો ન હતો. ત્યારબાદ પરિવારના સભ્યોએ હોસ્ટેલ સંચાલકનો સંપર્ક કર્યો હતો. હોસ્ટેલ સંચાલકે નિશાના રુમનો દરવાજો ખખડાવ્યો પણ કોઈ રિસ્પોન્સ ન મળ્યો. તેથી સંચાલક દ્વારા પોલીસ કન્ટ્રોલ રુમને જાણ કરી દેવાઈ. પોલીસ કન્ટ્રોલ રુમે જવાહરનગર પોલીસને તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરી હતી. પોલીસ રુમનો દરવાજો તોડીને અંદર દાખલ થઈ હતી. રુમમાં નિશા ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. પોલીસે નિશાના મૃતદેહને હોસ્પિટલના મોર્ચરીમાં રાખ્યો હતો.
જીદ કરીને કોટા આવી હતીઃ મૃતકનો પરિવાર ગુરુવાર સવારે કોટા પહોંચી ગયો હતો ત્યારબાદ એમબીએસ હોસ્પિટલમાં મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપી દીધો હતો. વિદ્યાર્થીના માતા-પિતા ઉપરાંત ભાઈ રડી રડીને અડધા થઈ ગયા હતા. મૃતકના પિતા જણાવે છે કે નિશા જીદ કરીને કોટા અભ્યાસ માટે આવી હતી. ગતવર્ષે તેણીએ ઘરેથી અભ્યાસ કરીને નીટની પરીક્ષા આપી હતી જેમાં તેના 405 માર્ક આવ્યા હતા. ત્યારબાદ તેણીએ કોટા જવાની જીદ કરી હતી. અહીં કોચિંગ સેન્ટરમાં લેવાતી પરીક્ષામાં તેના 715 માર્ક આવતા હતા.
પરિવાર સાથે નિયમિત સંપર્કઃ મૃતકના પિતા નિયમિત સમયે તેણીની મુલાકાત લેતા હતા. મે મહિનામાં નિશા કોટામાં અભ્યાસ માટે આવી હતી. 18 નવેમ્બરે તેની હોસ્ટેલ ચેન્જ કરવામાં આવી હતી. અગાઉની હોસ્ટેલ રાજીવનગર ખાતે હતી. આ નવી હોસ્ટેલ મહાવીરનગરમાં છે જ્યાં તેણીએ આપઘાત કરી લીધો છે. તેણી માથાના દુખાવાની બીમારીથી પરેશાન રહેતી હતી. તેણી વારંવાર યુપીના ઘરે આવતી જતી રહેતી હતી. તેણી દિવાળી પર પર ઉત્તર પ્રદેશ પોતાના ઘરે આવી હતી.
સીલિંગ ફેનમાં પ્રીવેન્શન રોડ નહતોઃ કોટાની દરેક હોસ્ટેલમાં સીલિંગ ફેનમાં પ્રીવેન્શન રોડ લગાડવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે નિશાએ આત્મહત્યા કરી તે હોસ્ટેલમાં સીલિંગ ફેનમાં પ્રીવેન્શન રોડ લગાડેલા ન હતા. જિલ્લા તંત્રએ અનેકવાર હોસ્ટેલ્સને આ વિષયમાં કડક આદેશો આપ્યા છે. પોલીસને નિશાના રુમમાંથી કોઈ સ્યૂસાઈડ નોટ મળી નથી. જો કે પોલીસે કોઈપણ પ્રકારની જાણકારી આપવાની ના પાડી છે.