નવી દિલ્હીઃ કૉંગ્રેસ અને આપ દ્વારા આગામી લોકસભા ચૂંટણી સાથે મળીને લડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. કૉંગ્રેસે પોતાના નેતાઓને જાહેરમાં આમ આદમી પાર્ટી વિરુદ્ધ ટીકા કે આલોચના ન કરવાના ઓર્ડર કરી દીધા છે. કૉંગ્રેસના સૂત્રો અનુસાર છેલ્લા 2 અઠવાડિયામાં 5 સભ્યોની કૉંગ્રેસ રાષ્ટ્રીય ગઠબંધન સમિતિ અને આપ પ્રતિનિધિઓ વચ્ચે બે રાઉન્ડમાં બેઠકો થઈ છે.
આ બેઠકોમાં ચર્ચા થયા બાદ બંને પક્ષો વચ્ચે સૈદ્ધાંતિક સમજુતિ થઈ છે. જો કે લોકસભા ચૂંટણી દરમિયાન બેઠક ફાળવણી માટે હજૂ વધુ એક રાઉન્ડની બેઠક યોજાશે. સૂત્રો અનુસાર અત્યાર સુધીની ચર્ચામાં પંજાબને સામેલ કરવામાં આવ્યું નથી. તેમજ આમ આદમી પાર્ટી દિલ્હી સિવાય હરિયાણા અને ગુજરાતમાં પણ બેઠકો માંગી રહી છે.
જો કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ગયા વર્ષથી જ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને મળવા માટે સમય માંગી રહ્યા છે. જ્યારે ઈન્ડિયા ગઠબંધનની ચર્ચાઓ શરુ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં માત્ર 13મી જાન્યુઆરીના રોજ આપ નેતાઓને આ તક આપવામાં આવી. આ દરમિયાન 14મી જાન્યુઆરીએ રાહુલ ગાંધીએ પોતાની ભારત જોડો ન્યાય યાત્રા શરુ કરી દીધી છે.
પાર્ટીના આંતરિક સૂત્રો અનુસાર રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને એઆઈસીસી સંગઠન પ્રભારી કે સી વેણુગોપાલે બંને પક્ષો વચ્ચે સમજુતિ સધાય તે માટે અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે આ મુલાકાત કરી હતી. જો કે દિલ્હી અને પંજાબ બંને રાજ્યોમાં કૉંગ્રેસ નેતાઓ આમ આદમી પાર્ટીની જાહેરમાં આલોચના કરી રહ્યા હતા. તેમજ આપ સરકારની યોજનાઓ અને નીતિઓ વિરુદ્ધ અભિયાનો પણ ચલાવી રહ્યા હતા. આ બાબત પર અંકુશ લાવવો જરુરી હતો.
તેથી જે નેતા જાહેરમાં આમ આદમી પાર્ટીની ટીકા કરતા હતા તેમણે કૉંગ્રેસ હાઈકમાન્ડે સંયમ રાખવાની સલાહ આપી છે. બે પૂર્વ હરિફો વચ્ચે બંધાયેલા નવા સંબંધને લઈને કોઈ ભ્રમ પેદા ન થવો જોઈએ. દિલ્હી એઆઈસીસી પ્રભારી દીપક બાબરિયાએ જણાવ્યું કે હું ગઠબંધન પર નિવેદન આપવા માટે અધિકૃત નથી. જો કોઈ ભડકાઉ ભાષણ કરે અને મારા ધ્યાને આવશે તો હું તેના પર વિચાર કરીશ.
અત્યાર સુધી દીપક બાબરિયા દિલ્હી સરકાર વિરુદ્ધ આંદોલનાત્મક કાર્યક્રમ અને આમ આદમી પાર્ટીના વિકલ્પના રુપમાં કૉંગ્રેસને રજૂ કરવાની દિલ્હી કૉંગ્રેસની વિવિધ રણનીતિનું અવલોકન કરી રહ્યા હતા. બાબરિયાને આ સ્થિતિમાં આપ સાથે કેવી રીતે સંકલન સાધશો તેમ પુછતા તેમણે જણાવ્યું કે, અમે દુશ્મન નથી. અમે કોઈ વ્યક્તિ વિશેષનો વિરોધ નહતા કરી રહ્યા, અમે તો માત્ર રાજ્ય સરકારની નીતિઓનો વિરોધ કરી રહ્યા હતા. જે લોકોને અસરકર્તા હતી.
પંજાબ કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ભારત ભૂષણ આશુએ ઈટીવી ભારતને કહ્યું કે, અમને હાઈકમાન્ડ દ્વારા આ વિશે કંઈ કહેવામાં નથી આવ્યું. અમે લોકસભાની 13 બેઠકો માટે તૈયારીઓ કરી રહ્યા છીએ.