નવી દિલ્હી: દિલ્હીમાં સેવાઓ અંગે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવનાર વટહુકમને લઈને આમ આદમી પાર્ટી (AAP) એ રાજ્યસભામાં તેના તમામ સભ્યોની હાજરી સુનિશ્ચિત કરવા માટે વ્હિપ જારી કર્યો છે. AAP સાંસદ સુશીલ ગુપ્તાએ જારી કરેલા વ્હીપમાં કહેવામાં આવ્યું છે કે 31 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી તમામ સભ્યોએ રાજ્યસભામાં તેમની હાજરી સુનિશ્ચિત કરવી જોઈએ.
વટહુકમ પર વિપક્ષી દળોનું સમર્થન: દિલ્હીમાં છેલ્લા કેટલાક મહિનાઓથી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાની વહેંચણીને લઈને ઘર્ષણ ચાલી રહ્યું છે. દિલ્હી સરકારના અધિકારો અને સેવાઓ સંબંધિત બિલ સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવી શકે છે. આ બિલ લોકસભાના સાંસદોને સરક્યુલેટ કરવામાં આવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહ આ બિલ લોકસભામાં રજૂ કરી શકે છે. જે બાદ રાજ્યસભામાં બિલ લાવવામાં આવશે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે તમામ વિપક્ષી દળોને મળ્યા છે અને તેમને રાજ્યસભામાં બિલની વિરુદ્ધમાં વોટ કરવાની અપીલ કરી છે જેથી કરીને વટહુકમ પર વિપક્ષી દળોનું સમર્થન મળે.
સુપ્રીમના આદેશ સામે કેન્દ્રીય વટહુકમ: કેન્દ્રના વટહુકમમાં કહેવામાં આવ્યું છે કે નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (સંશોધિત વટહુકમ) 2023 દ્વારા કેન્દ્ર સરકારે નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટીની રચના કરી છે. દિલ્હીમાં અધિકારીઓની બદલી, પોસ્ટિંગ અને સેવા સંબંધિત નિર્ણયો હવે ઓથોરિટી દ્વારા લેવામાં આવશે. જેમાં દિલ્હીના મુખ્યમંત્રીને મુખ્ય બનાવવાની વાત કહેવામાં આવી છે. પરંતુ નિર્ણય બહુમતીથી થશે.
લેફ્ટનન્ટ ગવર્નરનો નિર્ણય અંતિમ: દિલ્હીના મુખ્યમંત્રી ઉપરાંત ગૃહ વિભાગના મુખ્ય સચિવ અને મુખ્ય સચિવ નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટીના સભ્યો હશે. કોઈપણ વિવાદના કિસ્સામાં લેફ્ટનન્ટ ગવર્નરનો નિર્ણય અંતિમ રહેશે. કેન્દ્ર હેઠળ આવતા વિષયો સિવાયના અન્ય તમામ કેસોમાં, આ ઓથોરિટી દિલ્હીમાં ફરજ બજાવતા ગ્રુપ A અને DANICS અધિકારીઓની બદલીની નિમણૂકની ભલામણ કરશે, જેના પર લેફ્ટનન્ટ ગવર્નર અંતિમ મહોર લગાવશે.