- બાંસવાડાની જેલમાં વિચિત્ર કિસ્સો આવ્યો સામે
- મારામારીના ગુનામાં પકડાયો હતો મૃતક આરોપી
- દારૂ ન મળતા ખાવા-પીવાનું પણ છોડી દીધું હતું
બાંસવાડા: મારામારીના કેસમાં બાંસવાડા જેલમાં સજા ભોગવી રહેલા એક કેદીએ જેલ સત્તાધીશો પાસે દારૂની માગ કરી હતી. જોકે, તેની માગ ન સંતોષાતા તે ભૂખ હડતાલ પર ઉતરી ગયો હતો. 11 દિવસ બાદ જ્યારે તેની તબિયત લથડી ત્યારે તેને ઉદયપુરના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
જાબૂડી ગામમાં રહેતા નિરૂ ધનજીની મારામારીના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. તેને દારૂ પીવાની લત હતી. સ્થાનિક પોલીસ અધિકારી પુનારામ જાટના જણાવ્યા પ્રમાણે, 2011માં નીરૂએ પોતાના પિતા સાથે મારામારી કરી હતી. આ મામલે તેની ધરપકડ કરીને તેને કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. ત્યારબાદથી તે એકપણ વખત કોર્ટ સમક્ષ હાજર ન રહેતા કોર્ટે સ્થાયી વોરન્ટ ઈશ્યૂ કર્યું હતું. જેના અંતર્ગત 6 ઓક્ટોબરના રોજ તેની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
બાંસવાડા જેલના જેલર માનસિંહના જણાવ્યા પ્રમાણે, નીરૂની તબિયત લથડતા તેને 17 ઓક્ટોબરના રોજ એમ. જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પહેલા જેલમાં જ તેની સારવાર કરવામાં આવી રહી હતી. જેલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેણે (નીરૂએ) દારૂ ન મળવાના કારણે ખાવા-પીવાનું છોડી દીધું હતું. તબિયત લથડતા 19 ઓક્ટોબરના રોજ તેને સારવાર માટે બાંસવાડાથી ઉદયપુર રિફર કરવામાં આવ્યો હતો.