- પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં બની ઘટના
- એક જ પરિવારના 2 સમૂહો વચ્ચે ગોળીબારની ઘટના
- ગોળીબારમાં 9ના મોત, 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત
પેશાવર: પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં જમીન વિવાદને લઈને 2 વિરોધી સમૂહો વચ્ચે ગોળીબાર થયો છે. જેમાં 9 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 10થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
નાકાબંધી કરીને ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી
પ્રાંતના લોઅર જિલ્લાના તોરમાંગ વિસ્તારમાં બુધવારે એક કબ્રસ્તાનમાં 2 સમૂહો વચ્ચે ગોળીબારની ઘટના સામે આવી હતી. જેમાં 9 લોકોના મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને નાસી ગયેલા આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.
ઈજાગ્રસ્તોને સારવાર માટે પેશાવર મોકલાયા
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, વિસ્તારમાં રહેતા 2 પરિવારો વચ્ચે જમીનને લઈને વિવાદ હતો. અંતિમ સંસ્કાર દરમિયાન બન્ને પરિવાર આમને સામને આવી જતા પરિવારજનોએ એકબીજા પર ગોળીબાર શરૂ કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ગંભીર રીતે ઈજા પામેલા 10 લોકોને સારવાર માટે પેશાવર મોકલવામાં આવ્યા છે.