- ગ્રેચર નોઈડા નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત
- 19થી વધુ લોકો ઈજાગ્રસ્ત
- ઈજાગ્રસ્તોને દાદરીની હોસ્પિટલમાં દાખલ કરાયા
નવી દિલ્હી/નોઈડા: ગ્રેટર નોઈડાના દાદરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વે પર રવિવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલાનું મોત થયું હતું અને 19થી વધુ લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. પંજાબથી બિહાર જઇ રહેલી આ બસ ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વે પર નવી બસ્તી અને દાદરી પોલીસસ્ટેશના વિસ્તારના બીલ અકબરપુર ગામ વચ્ચે ખરાબ રીતે પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઇ હતી. પોલીસે ઈજાગ્રસ્તોને દાદરીની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા છે.
હાઇ સ્પીડના કારણે બસ ટ્રક સાથે અથડાઇ
પ્રવાસીઓએ આપેલી માહિતી મુજબ, બસ પંજાબના પ્રવાસીઓને લઈ બિહારના મુઝફ્ફરપુર જઈ રહી હતી. દાદરી પોલીસ સ્ટેશન વિસ્તારની નવી બસ્તી અને બીલ અકબરપુર ગામ વચ્ચે એક ખરાબ ટ્રક ઉભી હતી. હાઇ સ્પીડના કારણે બસ કાબુ બહાર જતા ટ્રક સાથે અથડાઇ હતી. ઘટનાસ્થળે આસપાસના લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
આ પણ વાંચો- દિલ્હીની બે બસ ટકરાતા, 6 વિદ્યાર્થી ઘાયલ
પોલીસે બચાવ કામગીરી હાથ ધરી
બસ અને ટ્રક વચ્ચેની ટક્કર અંગે એડિશનલ DCP વિશાલ પાંડેએ જણાવ્યું હતું કે, પોલીસે બચાવ કામગીરી હાથ ધરી હતી અને બસમાં સવાર પ્રવાસીઓને બહાર કાઢ્યા હતા અને તેમને દાદરીની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. આ અકસ્માતમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા.
મૃતક મહિલા વિશે માહિતી મેળવી રહી છે પોલીસ
આ અકસ્માતમાં 19 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેની દાદરીની જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. બસમાં સવાર પ્રવાસીઓનું કહેવું છે કે, બસમાં 100થી વધુ લોકો સવાર હતા. જ્યારે ધટનાસ્થળે ઉપસ્થિત લોકો આ અકસ્માતનું કારણ વાહનની વધુ પડતી ઝડપ ગણાવી રહ્યા છે. પોલીસ દ્વારા મૃતક મહિલા વિશે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.