- તિરૂપતિની રૈઇયા હોસ્પિટલની ઘટના
- ઓક્સિજનના અભાવે 11 દર્દીઓએ ગુમાવ્યો જીવ
- મૃત્યુ આંક વધવાની સંભાવના
આંધ્રપ્રદેશ: તિરૂપતિમાં સોમવારે રાત્રે ઓક્સિજનના અભાવે ઓછામાં ઓછા 11 દર્દીઓનાં મોત થયા હતાં. કલેક્ટરે આ મોતની પુષ્ટિ કરી છે. કલેક્ટર એમ.હરિ નારાયણે જણાવ્યું હતું કે, ઓક્સિજનના અભાવે 11 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. તેમણે કહ્યું કે, હમણાં હોસ્પિટલ પાસે એક ટેન્કર છે અને બીજું ટેન્કર સવાર સુધીમાં પહોંચી જશે. મુખ્યપ્રધાન વાય.એસ. જગન મોહન રેડ્ડીએ આ મામલે તપાસના આદેશ આપ્યા હતા.
વધુ જાનહાનિ અટકાવી શકાઇ
આ ઘટના વિશે માહિતી આપતા તિરૂપતિ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, રૈઈયા હોસ્પિટલમાં ઓક્સિજનની અછત નથી અને પુરવઠો પણ પૂરતા પ્રમાણમાં છે. ઓક્સિજન સિલિન્ડર ફરીથી પાંચ મિનિટમાં લોડ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે વધુ જાનહાનિ થતી અટકી હતી. હરિ નારાયણને જણાવ્યું હતું કે, "પાંચ મિનિટમાં ઓક્સિજનની સપ્લાય ફરીથી શરૂ થઈ ગઈ હતી અને બધુ હવે સામાન્ય છે. આને કારણે વધુ જાનહાનિ અટકાવી શકાઇ છે. "
આ પણ વાંચો: એલએમઓ લાવવા ઑક્સિજન એક્સપ્રેસ વિશાખાપટ્ટનમ પહોંચી
જગન મોહન રેડ્ડીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું
લગભગ 30 ડોક્ટરોને તાત્કાલિક ICUમાં દર્દીઓ માટે હાજર કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ઓક્સિજનની અછત નથી અને પૂરતા પ્રમાણમાં પુરવઠો છે. રૈઇયા હોસ્પિટલમાં 700 જેટલા કોરોના દર્દીઓ ICU અને ઓક્સિજન બેડમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે અન્ય 300 સામાન્ય વોર્ડમાં છે. આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન વાય. એસ. જગન મોહન રેડ્ડીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે જિલ્લા કલેક્ટર સાથે વાત કરી હતી અને આ ઘટનાની વિસ્તૃત તપાસ હાથ ધરવા સૂચના આપી હતી. જગન મોહને અધિકારીઓને આ પ્રકારની ઘટનાઓ ફરીથી ન બને તે સુનિશ્ચિત કરવા સૂચના પણ આપી છે.
હજી 5 દર્દીઓની હાલત નાજુક
એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઓક્સિજન ટેન્કર આવવાનું હતું, પરંતુ તે પહોંચી શક્યું નહીં. જેના કારણે હોસ્પિટલમાં ઓક્સિજનનો અભાવ હતો અને દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. હોસ્પિટલમાં કુલ 135 દર્દીઓ વેન્ટિલેટર પર છે. હજી 5 દર્દીઓની હાલત નાજુક હોવાનું જણાવાયું છે.
આ પણ વાંચો: આંધ્રપ્રદેશ: સેનિટાઇઝર પીવાથી સાત લોકોનાં મોત
વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ
આ દુર્ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ પણ થઈ રહ્યા છે. જેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, ઓક્સિજનના અભાવે દર્દીઓની હાલત બગડી હતી. દર્દીઓની નજીક ઉભા રહેલા તેમના સગા-સંબંધીઓ તેઓને હવા આપી રહ્યા છે, જેથી દર્દીઓને ગભરામણ ન થાય.
આંધ્રપ્રદેશના છેલ્લા 24 કલાકના કેસ
આંધ્રપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં અહીં કોરોનાના 14,986 નવા કેસ નોંધાયા છે. 84 લોકોનાં મોત થયાં છે. અત્યાર સુધીમાં 13,02,589 કોરોના સંક્રમિત છે અને 8,791 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. હાલમાં 1,89,367 દર્દીઓ અહીં સારવાર હેઠળ છે.