ન્યુઝ ડેસ્ક : શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમે વોટ આપવા જઈ રહ્યા છો, પરંતુ તમને કોઈ પાર્ટીનો કોઈ ઉમેદવાર પસંદ નથી. તમે તમારો મત કોઈને આપવા માંગતા નથી. પણ તમે મજબૂરીમાં તમારો મત આપવા જાઓ છો. તો તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચ દ્વારા તમારી આ સમસ્યાને દૂર કરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જો તમે કોઈપણ ઉમેદવારને મત આપવા માંગતા નથી, તો તમારી પાસે એક અધિકાર છે જેના હેઠળ તમે NOTA નું બટન દબાવી શકો છો.
આખરે આ નોટા શું છે? - NOTA નો અર્થ 'None of the Above' એટલે કે આમાંથી કોઈ નહિ. NOTA બટન દબાવવાનો અર્થ એ છે કે તમને ઉમેદવારોમાંથી કોઈ પણ પસંદ નથી. EVM મશીનમાં NOTA બટન છે. તેથી જો તમે ઈચ્છો છો કે તમારે કોઈ ઉમેદવારને મત આપવો ન પડે તો તમે NOTA બટન દબાવી શકો છો.
ભારતમાં નોટાનો ઉપયોગ ક્યારે શરૂ થયો? - વર્ષ 2009માં, ભારતના ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં મતદારને બેલેટ પેપર પર NOTA નો વિકલ્પ આપવા માટે અપીલ કરી હતી. જેથી મતદારોને કોઈપણ અયોગ્ય ઉમેદવારને પસંદ ન કરવાની સ્વતંત્રતા મળી શકે. ત્યારબાદ "પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ" એ NOTAની તરફેણમાં સમર્થન આપ્યું હતું. આખરે સપ્ટેમ્બર 2013ના રોજ, ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા ચૂંટણીમાં NOTA નો અધિકાર લાગુ કરવામાં આવ્યો હતો. જે બાદ ચૂંટણી પંચે આદેશ આપ્યો કે તમામ વોટિંગ મશીનમાં NOTA બટનનો વિકલ્પ હોવો જોઈએ. આ રીતે, ભારત વિશ્વનો 14મો દેશ બન્યો જ્યાં મતદારોને NOTA નો વિકલ્પ મળ્યો.
કયા કયા દેશોમાં NOTA નો ઉપયોગ થાય છે - ભારત સિવાય 13 વધુ એવા દેશો એવા છે જ્યાં મતદારને NOTAનો વિકલ્પ આપવામાં આવ્યો છે. કોલંબિયા, યુક્રેન, બ્રાઝિલ, બાંગ્લાદેશ, ફિનલેન્ડ, સ્પેન, સ્વીડન, ચિલી, ફ્રાન્સ, બેલ્જિયમ, ગ્રીસ, યુએસએ અને રશિયા તેમાં સામેલ છે. જો કે, ભારતમાં વર્તમાન NOTA સિસ્ટમ 'રાઈટ ટુ રિજેક્ટ' જેવી નથી કારણ કે જો NOTA ને 99 ટકા વોટ મળે છે અને ઉમેદવારને માત્ર એક જ વોટ મળે છે, તો જે ઉમેદવારને એક વોટ મળે છે તે જીતે છે.
ફરીથી કરાય છે મતદાન - જો કે કેટલાક દેશો એવા પણ છે જ્યાં NOTA ને વધુ મત મળે તો ત્યાં ફરીથી ચૂંટણી યોજવામાં આવે છે અને જે ઉમેદવાર NOTA કરતા ઓછા મત મેળવે છે તે ફરીથી ચૂંટણી લડી શકતો નથી. આવી સ્થિતિમાં હવે સવાલ એ ઊભો થાય છે કે જ્યારે રિજેક્ટ કરવાનો કોઈ અધિકાર નથી એટલે કે NOTAને વધુ વોટ મળે તો પણ ચૂંટણીઓ ફરીથી યોજાવાની નથી, તો પછી NOTAનો ઉપયોગ શું છે.
NOTA લાવવા પાછળનો તર્ક - વાસ્તવમાં NOTA લોકોને ઉમેદવારો પ્રત્યે તેમની નારાજગી વ્યક્ત કરવાની તક આપે છે. તેનાથી વધુને વધુ લોકો મતદાન કરે તેવી શક્યતાઓ પણ વધી જાય છે. તે એવા લોકોને પણ મતદાન કરવા માટે પ્રેરિત કરશે કે જેઓ કોઈપણ ઉમેદવારને સમર્થન આપતા નથી. NOTA લાવવા પાછળનો તર્ક સુપ્રીમ કોર્ટનો એ જ તર્ક હતો કે તે ચૂંટણીમાં પરિવર્તન લાવશે અને રાજકીય પક્ષોને યોગ્ય ઉમેદવારો ઊભા રાખવાની ફરજ પડશે. જો કે, આ ચૂંટણી વિકલ્પ બહુ અસરકારક ત્યાં સુધી સાબિત નહીં થાય જ્યાં સુધી તેને પ્રતીકાત્મક સાધન તરીકે ગણવાને બદલે ''રાઈટ ટુ રિજેક્ટ'' કરવાનો અધિકાર પ્રાપ્ત ન થાય. જોકે, NOTAને સંપૂર્ણ રીતે નકારવાનો અધિકાર મળે તે સુનિશ્ચિત કરવા માટે સુપ્રીમ કોર્ટમાં સૂચનો કરવામાં આવી રહ્યા છે... હવે જોવાનું એ રહેશે કે આ અધિકાર મળે છે કે નહીં અને મળશે તો ક્યારે?