અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) માટે ભાજપે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદીમાં 182માંથી 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. યુવા અને મહિલાઓથી લઈને જાતિ સમીકરણ સુધી ભાજપે આ યાદીમાં સંતુલન જાળવવાનો પૂરો પ્રયાસ કર્યો છે. તો ચાલો પહેલા વાત કરીએ ભાજપના એવા ઉમેદવારોની જે 80ના દાયકામાં કે પછી જન્મ્યા હતા.
ભાજપના ઉમેદવારની ઉંમર મુજબની ગણતરી

ભાજપના ઉમેદવારો કેટલો કર્યો છે અભ્યાસ જાણો : ભાજપની પ્રથમ યાદીમાં (First list of BJP) 1980 પછી જન્મેલા 15 લોકો છે, જેમાં SC, STના 8 ઉમેદવારોનો સમાવેશ થાય છે. તો જનરલ કેટેગરીના 6 ઉમેદવારો છે. વધુમાં શિક્ષણની વાત કરીએ તો આ 15 ઉમેદવારોમાંથી 8 ઉમેદવારો પાસે સ્નાતકની ડિગ્રી છે, 3 ઉમેદવારો પાસે માસ્ટર ડિગ્રી છે, જ્યારે એક ઉમેદવાર 9મું અને એક ઉમેદવાર 10મું પાસ છે. જ્યારે એકના અભ્યાસ અંગે કોઈ વિગતો ઉપલબ્ધ નથી.

ગુજરાતની જ્ઞાતિ આધારિત ભાજપની રણનીતિ : ગુજરાતમાં લગભગ 30 થી 40 બેઠકો પર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના આદિવાસી સમુદાયોનું વર્ચસ્વ છે. દરેક પક્ષ હંમેશા આ વર્ગને હસ્તગત કરવાનો પ્રયાસ કરે છે. આદિવાસી સમુદાયો માટે લગભગ 26 બેઠકો અનામત છે. ભાજપની પ્રથમ યાદીમાં 13 SC અને 24 ST ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત 39 પાટીદાર, 9 બ્રાહ્મણ, 3 જૈન, 14 મહિલા અને 6 ક્ષત્રિયોનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું છે. આમ દરેક સમુદાયના આગેવાનોનો આ યાદીમાં યોગ્ય રીતે સમાવેશ કરવામાં આવ્યો છે. ટૂંકમાં, ભાજપે પોતાની પ્રથમ યાદીમાં જ જ્ઞાતિ સમીકરણ જાળવવા સખત મહેનત કરી છે.
મહિલાઓને આપવામાં આવે છે અગ્રતા : આ વખતે ભાજપે મોટી સંખ્યામાં મહિલાઓને પ્રાધાન્ય આપવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને અમદાવાદમાં ગત વખતે જ્યાં એક પણ મહિલાને ટિકિટ મળી ન હતી ત્યાં આ વખતે 3 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ શહેરમાંથી બે મહિલાઓને પણ ટિકિટ આપવામાં આવી છે. જ્યારે સુરત અને વડોદરા શહેરમાં એક-એક મહિલાને ટિકિટ આપવામાં આવી છે.
યુવા બ્રિગેડ માટે તક : ગુજરાતમાં યુવાનોને ટિકિટ આપવા બાબતે ભાજપનું વલણ હંમેશા ઉદાસીન રહ્યું છે. જ્યારે યુવાનોને તક આપવાની વાત આવે છે ત્યારે ભાજપ ટીકીટ આપવામાં વરિષ્ઠ નેતાઓને જ પસંદ કરે છે. 2014 પછી ભાજપે 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ નહીં આપવાની વાત કરી હતી, પરંતુ તે માત્ર નિવેદન હતું. જોકે, આ વખતે ભાજપે પોતાની ફરિયાદ બાજુ પર મૂકીને ગુજરાતમાં સિનિયરો અને વડીલોને વધુ ટિકિટ ન આપતી યુવા બ્રિગેડમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
2017માં ભાજપે મહિલાઓને 6 ટકા ટિકિટ આવી હતી : 2017માં ભાજપે 49 ટકા વૃદ્ધો અને 3 ટકા યુવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે મહિલાઓને 6 ટકા ટિકિટ આપવામાં આવી હતી. યુવાનોને ત્રણ ટકા ટિકિટ મળી હતી. 2017માં ભાજપે યુવાનોને ટિકિટ આપવામાં પીછેહઠ કરી હતી અને માત્ર 35 વર્ષ સુધીના 7 યુવાનોને ટિકિટ આપી હતી. જ્યારે વૃદ્ધો એટલે કે 56 વર્ષથી વધુ ઉંમરના 89 લોકોને ટિકિટ આપવામાં આવી હતી.
પ્રથમ તબક્કામાં આ વિધાનસભાની બેઠકો પર મતદાન થશે : ચૂંટણી પંચે કહ્યું કે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 વિધાનસભા બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થશે. પ્રથમ તબક્કામાં જે જિલ્લાઓમાં મતદાન થશે તેમાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, અને વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે. એટલે કે પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતની ચૂંટણી પૂર્ણ થશે.
બીજા તબક્કામાં 93 બેઠકો પર ચૂંટણી યોજાશે : બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર ચૂંટણી યોજાશે. આ જિલ્લાઓમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે. એટલે કે બીજા તબક્કામાં મધ્ય અને ઉત્તર ગુજરાતની બેઠકો પર ચૂંટણી યોજાશે.