અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022) ના પ્રથમ તબક્કા માટે પહેલી ડિસેમ્બરે મતદાન થશે. પ્રથમ તબક્કામાં ચૂંટણી લડતા કુલ 788 ઉમેદવારોમાંથી 167 ઉમેદવારો સામે ગુના નોંધાયેલા છે. ગુનાઈત ઇતિહાસ ધરાવતાં ઉમેદવારો પર એડીઆર સર્વે અને ગુજરાત ઈલેક્શન વૉચના(Gujarat Election Watch ) ડેટા પ્રમાણે તારવાયેલી વિગતો ( ADR Survey on Criminal Record Candidates ) ઉમેદવારોના સોંગદનામામાં જણાવેલી છે. 2017માં વિધાનસભાની ચૂંટણી થઈ હતી તે વખતે પ્રથમ તબક્કામાં કુલ 923 ઉમેદવારોમાંથી 137 ઉમેદવારો ગુનાઈત ઈતિહાસ ધરાવતાં હતા. એટલે કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 30(6 ટકા) ઉમદવારો વધુ છે, કે જેઓ ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. 2017માં 15 ટકા ઉમેદવારો ગુનાવાળા હતા, જ્યારે 2022માં 21 ટકા ઉમેદવારો સામે ગુનો નોંધાયેલો છે.
પ્રથમ તબક્કાનું વિશ્લેષણ ક્રિમિનલ રેકોર્ડ્સ ધરાવતાં ઉમેદવારો વિશે પ્રથમ તબક્કાનું વિશ્લેષણ કરીએ તો જણાય છે કે 2017માં ક્રિમિનલ રેકોર્ડવાળા ઉમેદવારો 15 ટકા, 2017માં ગંભીર ગુનાવાળા ઉમેદવારો 8 ટકા, 2022માં ક્રિમિનલ રેકોર્ડવાળા ઉમેદવારો 21 ટકા અને 2022માં ગંભીર ગુનાવાળા ઉમેદવારો 13 ટકાનું પ્રમાણ છે.
![2022માં 21 ટકા ઉમેદવારો સામે ગુનો નોંધાયેલો છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17021154_1.jpg)
167 ઉમેદવારોમાંથી 100 સામે ગંભીર ગુના બીજું વિશ્લેષણ એ સામે આવ્યું છે કે 167 ઉમેદવારો ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. તેમાંથી 100(13 ટકા) સામે ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે. 2017માં આ સંખ્યા 78 (8 ટકા) હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગંભીર ગુનાઓ એટલે કે પાંચ વર્ષ કે તેની વધુ સજા થઈ શકે તેવા ગુનાઓ, નોન બેલેબલ ગુનાઓ, ચૂંટણીને લગતા ગુનાઓ, (આઈપીસી 171 ઈ, લાંચ રૂશ્વત), સરકારી તિજોરીને નુકસાન થાય તેવા ગુનાઓ, લોકપ્રતિનિધિત્વ ધારા અંતગર્ત ગુનાઓ, લાંચ રૂશ્વત પ્રતિબંધક ધારો, મહિલાઓ સામેના ગુનાઓનો સમાવેશ થઈ શકે છે.
2022માં પક્ષવાર ક્રિમિનલ કેસ આ અંગેની વિગતો જોઈએ તો કોંગ્રેસના કુલ 89 ઉમેદવાર છે, જેમાંથી 31 ઉમેદવાર સામે ગુનો નોંધાયેલ છે, જે ટકાવારીમાં 35 ટકા થવા જાય છે. તેવી જ રીતે ભાજપના 89 ઉમેદવારોમાંથી 14(16 ટકા) ઉમેદવારો સામે ગુનો નોંધાયેલો છે. ભારતીય ટ્રાયબલ પાર્ટીના કુલ 14 ઉમેદવારોમાંથી 4(29 ટકા) ઉમેદવારો સામે ગુનો દાખલ થયો છે.
આમ આદમી પાર્ટીના સૌથી વધુ ગુનાવાળા ઉમેદવારો પક્ષ પ્રમાણે ગુનાઈત ધરાવતાં ઉમેદવારોની સંખ્યા પર એક નજર કરીએ તો મુખ્ય પક્ષોમાં આમ આદમી પાર્ટીના 88 ઉમેદવારોમાંથી 32(36 ટકા) ઉમેદવારોએ તેમની સામે ગુના છે એમ સોંગદનામામાં કહ્યું છે. જ્યારે કોંગ્રેસ પક્ષના 89 ઉમેદવારો પૈકીના 31(35 ટકા) ઉમેદવારોની સામે ગુના દાખલ થયેલ છે. અને ભારતીય જનતા પાર્ટીના 89 ઉમેદવારોમાંથી 14(16 ટકા) ઉમેદવારો સામે ગુનાઓ નોંધાયેલા છે. અને ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી)ના 14 ઉમેદવારોમાંથી 4(29 ટકા) ઉમેદવારો ગુનાઈત ઈતિહાસ ધરાવે છે.
આપના 26 ઉમેદવારોના ગંભીર ગુના ગંભીર ગુનાવાળા ઉમેદવારો પક્ષવાર જોઈએ તો આમ આદમી પાર્ટીના કુલ 88 ઉમેદવારોમાંથી 26(30 ટકા), કોંગ્રેસના કુલ 89 ઉમેદવારોમાંથી 18(20 ટકા), ભાજપના કુલ 89 ઉમેદવારોમાંથી 11(12 ટકા) અને બીટીપીના 14 ઉમેદવારો પૈકી 1(7 ટકા) ઉમેદવારો સામે ગંભીર ગુના નોંધાયેલા છે.
મહિલાઓ સામે ગુનાઓવાળા 9 ઉમેદવારો મહિલાઓ સામેના ગુનાઓ ધરાવતાં એવા 9 ઉમેદવારોની સામે મહિલાઓ સામે અત્યાચારના ગુનાઓ દાખલ છે. મર્ડરને લગતાં ગુનાઓ 3 ઉમેદવારો સામે નોંધાયેલા છે, જેમાં આઈપીસી 302 મુજબ ગુનો દાખલ થયેલો છે. જ્યારે 12 ઉમેદવારની સામે આઈપીસી 307 મુજબ ગુનાઓ દાખલ થયેલા છે તેવું ઉમેદવારોએ જાહેર કર્યું છે. 25 વિધાનસભા મતક્ષેત્રમાં 3થી વધુ ઉમેદવારો ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. એટલે એમને રેડ એલર્ટ મતક્ષેત્રો કહેવાય છે. 2017માં રેડ એલર્ટ મતક્ષત્રોની સંખ્યા 21(24 ટકા) હતી.
રાજકીય પક્ષોએ અદાલતના નિર્દેશોનું પાલન કર્યું નથી ગુજરાત ઈલેક્શન વૉચ અને એડીઆરે નોંધમાં લખ્યું છે કે સર્વોચ્ચ અદાલતના નિર્દેશની રાજકીય પક્ષો પર કોઈ ખાસ અસર થઈ નથી. પ્રથમ તબક્કાના કુલ ઉમેદવારોમાં 21 ટકા ઉમેદવારોને ગુનાઈત ઈતિહાસ ધરાવતાં ઉમેદવારો છે. એટલે કે જૂની પદ્ધતિથી જ પક્ષોએ ટિકીટ આપી છે. મુખ્ય પક્ષોની વાત કરીએ તો 16 ટકાથી માંડીને 36 ટકા સુધી ઉમેદવારો પર ગુના દાખલ થયેલા છે, તેવું સોંગદનામામાં દર્શાવેલ છે.
ટિકીટ આપવાના કારણ યોગ્ય નથી આપ્યાં સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે પક્ષોએ ગુનાઈત ઈતિહાસવાળાને કેમ ટિકિટ આપી તેના કારણો કહેવા પડશે અને તેમાં માત્ર જીતવાની શક્યતા એ કારણ દર્શાવી ન શકે. અત્યાર સુધીના સી-7 ફોર્મમાં દર્શાવેલા કારણો જોઈએ તો ખ્યાલ આવે છે કે સારુ કામ કર્યું છે. કેસિસ રાજકીય અદાવતથી કરવામાં આવ્યા છે, અથવા ગંભીર ગુનાઓ નથી, ઉમેદવારની સ્વીકૃતિ છે, વિગેરે કારણો દર્શાવ્યા છે. આ કારણો પાયાવગરના છે. બીજા સ્વચ્છ છબીવાળા ઉમેદવારોને ટિકિટ કેમ નઆપી શક્યા તે કારણોમાંથી સ્પષ્ટ થતું નથી. રાજકીય પક્ષોને રાજકારણમાં સ્વચ્છ છબીવાળા ઉમેદવારો આવે તે પ્રકારના સુધારાઓમાં રસ નથી એ આ આંકડાઓ દર્શાવે છે. કાયદાનો ભંગ કરનારા કાયદાઓ બનાવવાની સત્તા મેળવે છે ત્યારે લોકશાહીનું અવમુલ્યન થતું જ રહેશે તેવી ચિંતા એડીઆરે રજૂ કરી છે.
રાજકારણમાં ક્રિમિનલ રેકોર્ડવાળા ઉમેદવાર ન આવે એડીઆરના સ્ટેટ કોઓર્ડિનેટર પંક્તિ જોગે જણાવ્યું હતું કે 2018માં સર્વોચ્ચે અદાલતે કહ્યું હતું કે રાજકારણમાં ક્રિમિનલ રેકોર્ડ્સવાળા ઉમેદવારો ન આવે તે માટે કેટલાક આદેશ કર્યા હતાં. પણ આ ગુજરાતની ચૂંટણીમાં તેનું પાલન થયું નથી. 2017 કરતાં 2022માં ક્રિમિનલ રેર્કોડ્સ ધરાવતા ઉમેદવારોની સંખ્યા વધી છે. કારણ દર્શાવવાનું કહ્યું હતું કે પણ સોંગદનામામાં યોગ્ય કારણો દર્શાવ્યા નથી. જીતની શકયતા છે એ કારણ યોગ્ય નથી. મુખ્ય ચાર પાર્ટીનું વિશ્લેષણ કરીએ તો સૌથી વધુ આમ આદમી પાર્ટીના 88 ઉમેદવારો ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે. ભાજપના ક્રિમિનલ રેકોર્ડ ધરાવતાં ઉમેદવારોની સંખ્યા ઘટી છે.