ન્યુઝ ડેસ્ક: ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat assembly elections 2022) યોજાઈ રહી છે. ત્યારે ગુજરાતમાં 1962થી 2017 સુધી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના આંકડાઓ પર નજર ફેરવીએ તો સૌથી મતથી જીતનાર ત્રણ ધારાસભ્ય મુખ્ય પ્રધાન (Chief minister of gujarat) બન્યા છે જ્યારે પૂર્વ પ્રધાન નરોત્તમ પટેલનો (former minister Narottam Patel) વધુ મતથી જીતનો રેકોર્ડ હજી સુધી કોઇ તોડી શક્યું નથી. ગુજરાતની સરખેજ, ઘાટલોડીયા, ચોર્યાસી, દેવગઢ બારીયા સીટે (Sarkhej, Ghatlodia, Choryasi, Devgarh Baria seats) એક કરતાં વધુ વાર ઉમેદવારોને સૌથી વધુ મતોથી જીત અપાવી છે. જ્યારે સૌથી ઓછા મતથી માતર, જસદણ, લીમખેડા, ખેરાલુ, ઉમરગામ અને જામજોઘપુર વિધાનસભા સીટનો સમાવેશ થાય છે.
2017માં સૌથી વધુ માર્જીનથી જીતનાર: 2017ની વાત કરીયે તો હાલના ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સૌથી વધુ મતના માર્જીનથી જીતનાર ઉમેદવાર બન્યા હતા. ભૂપેન્દ્ર પેટલ 2017માં ઘાટલોડીયા સીટ પરથી ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા. ભૂપેન્દ્ર પટેલને કુલ 1,75,652 મત મળ્યા હતા, તેમના હરિફ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર શશિકાંત પટેલને 57902 મત મળ્યા હતા. 2017 વિધાનસભા ચૂંટણીમાં 1,17750 મતની માર્જિન સાથે ભૂપેન્દ્ર પટેલ સૌથી વધુ મતથી જીતનાર ઉમેદવાર હતા. તેમને વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ 2021માં મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
ભાજપના પૂર્વ પ્રધાનનો રેકોર્ડ અકબંધ: જો કે સૌથી વધુ મતથી જીતનાર ભાજપના પૂર્વ પ્રધાનનો રેકોર્ડ હજુ અકબંધ છે. પૂર્વ પ્રધાન નરોત્તમ પટેલ 2007 વિધાસભા ચૂંટણીમાં સુરતની ચૌર્યાસી વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. નરોત્તમ પટેલને 584098 મત મળ્યા હતા. તેમના હરિફ કોંગ્રેસ ઉમેદવાર જનકભાઇ ઘાનાણીને 237158 મત મળ્યા હતા. નરોત્તમ પટેલ હરિફ ઉમેદવાર કરતાં 346940 મતથી વિજેતા બન્યા હતા. 1962થી લઇને 2017 સુધી આટલો મોટા માર્જિનથી જીતનાર નરોત્તમ પટેલ છે. તેમનો રોકોર્ડ હજી સુધી કોઇ તોડી શક્યું નથી.