દાહોદ: જિલ્લાના રળિયાતી ગામ પાસે આવેલ ખાન નદી નજીક બે દિવસ અગાઉ એક અજાણ્યા યુવકની બોથડ પદાર્થ મારીને હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેને કારણે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં તપાસમાં મૃતક લાલાભાઇ છગનભાઈ ભાભોર ઉંમર 40 રળીયાતી ગામના હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. જેને લઈને દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મૃતકના ભાઈએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને આધારે દાહોદ પોલીસે તપાસ આદરતા દાહોદ જિલ્લા પોલીસવડા એ સ્થળ ઉપર તપાસ આદરી હતી.
આરોપીને શોધી પાડવા ટીમો બનાવાઇ: અજાણ્યા ઇસમને ઝડપી પાડવા માટે દાહોદ નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારીની અધ્યક્ષતામાં પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.ગામેતી એલ.સી.બી, પો.સબ.ઇન્સ. એમ.એલ.ડામોર, પો.સ.ઈ. ડી.આર.બારૈયા, પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પઢીયાર, દાહોદ ટાઉન “એ” ડિવીઝન પો.સ્ટે. તથા પો.સબ.ઇન્સ. વી.એન.કોટવાલ તથા એલ.સી.બી./એસ.ઓ.જી. તેમજ દાહોદ ડિવીઝનના કર્મચારીઓની જુદી-જુદી ટીમો બનાવી ગુન્હાના મુળ સુધી પહોંચવા માટે માર્ગદર્શન કર્યું હતું.
મૃતકનો આરોપી સાથે ઝગડો થયો: ટીમ દ્વારા બનાવવાળી જગ્યાથી રળીયાતી ગામ સુધીના રસ્તા ઉપર સી.સી.ટી.વી.ફૂટેજ તેમજ આજુબાજુના રહીશોની પૂછપરછ કરી માહિતી મેળવવા તજવીજ હાથ ધરી હતી હ્યુમન સોર્સના માધ્યમથી હકીકત જણાઈ આવી હતી કે, રળિયાતી સંગમ ચોકડીની બાજુમાં, પરમેશ્વરધામ નજીક દાહોદ ખાતે રહેતો ગણેશભાઈ ઉર્ફે તાનસીંગભાઈ શાન્તીલાલ ડામોરને (વાલ્મીકી) મૃતકની સાથે બે દિવસ અગાઉ ઝઘડો થયો હતો. તે બાબતની જાણકારી મળતા પોલીસે તેની તપાસ આદરી હતી જેમાં પોલીસને આરોપીના ઘરે તપાસ કરતા ઘરના સભ્યો દ્વારા સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા જેથી પોલીસે હ્યુમન સોર્સનો ઉપયોગ કરતા તથા તેનો ફોટો લઈ તપાસ આદરતા જાણવા મળ્યું હતું કે, તે ઉજ્જૈન ગયો છે.
આરોપી પાસે મૃતકનો મુદ્દામાલ મળી આવ્યો: માહિતીના આધારે દાહોદ પોલીસે આરોપીનો ફોટો સાથે રાખીને દાહોદ રેલવે "બી" કેબિન વિસ્તારમા રસ્તા ઉપરથી આરોપીની ફોટોગ્રાફ આધારે ઓળખ કરી ઝડપી પાડ્યો હતો બાદમાં પોલીસે થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરતા આરોપી ભાંગી પડ્યો હતો અને જણાવ્યું હતું કે, આજથી બે દિવસ અગાઉ રાત્રીના સમયે મૃતક પાસેથી પૈસાની લાલચમાં આવી તેની સાથે ઝપાઝપી કરતા મૃતક યુવકે આરોપીનો સામનો કરતા નજીકમાંંથી પથ્થર લઈને યુવકના માથાના ભાગે મારી દેતા તેનું મૃત્યુ થયું હતું. આરોપીએ નજીકમાં જ આવેલ ખાન નદીમાં મૃતકની લાશને નાખી દઈને મૃતકના રોકડ રુપિયા 1200/-, વીંટી, મોબાઈલ ચાર્જર તેમજ પટ્ટો અને મોબાઇલ લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપી ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને કોર્ટે પાસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં બોથડ પદાર્થથી હત્યા કરાઇ: દાહોદ ડિવાયએસપી ભંડારીએ જણાવ્યું હતું કે, ગઈકાલે માહિતી મળી હતી કે રળિયાતી રોડ પર આવેલ ખાન નદીમાં એક લાશ તરતી જોવા મળી હતી. પોલીસ ઘટના સ્થળે તપાસ કરતા જાણવા મળ્યું કે, મૃતકની ઉંમર 35 થી 40 વર્ષની છે, જેના માથાના ભાગે બોથડ પદાર્થ મારીને હત્યા કરી હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું હતું. મૃતકની ઓળખ તપાસ કરતા આગાવાડા ગામના લાલાભાઇ છગનભાઈ ભાભોર હોવાનું જાણવામાં આવ્યું છે. LCB, SOG પોલીસ દ્વારા આરોપીની સઘન તપાસ કરવામા આવી હતી. હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સથી માહિતી મળી હતી. દાહોદ ખાતે રહેતો ગણેશભાઈ ઉર્ફે તાનસીંગભાઈ શાન્તીલાલ જાતે ડામોર (વાલ્મીકી) મૃતકની સાથે બે દિવસ અગાઉ ઝપાઝપી કરતો હોવાનું માહિતી મળ્યું હતી. તેના ઘરે તપાસ કરતા તેમના પરિવારજનોમાંથી સંતોષકારક જવાબ નહી મળતા અને જાણવા મળ્યુ હતું કે એ વ્યક્તિ ઉજ્જેન જવા રવાના થશે.
આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે: જે બાતમીના આધારે આરોપીનો ફોટો મેળવીને અલગ અલગ ટીમોએ અલગ અલગ દિશાઓમાં આરોપીને ઝડપી પાડવા માટે કાર્યરત કરાઈ હતી. રેલવે કોલોનીમાં આવેલ બી કેબીન પાસે આરોપી મળી આવ્યો હતો.આ આરોપીની સઘન પૂછપરછ કરતા તેને ગુનો કર્યો હોવાનું કબૂલ્યું હતું. આરોપી પાસેથી મૃતકનો મોબાઈલ, ચાર્જર 1200 રૂપિયા, વીંટી સહિતનો લૂંટનો મુદ્દામાલ મળી આવ્યો છે. ઉપરાંત આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અગાઉ ત્રણ ગુનામાં પકડાઈ પણ ચૂક્યો છે અને આ ગુના માટે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.