સુરત : સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું અને અન્ય ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે. પોતાના મૂળભૂત અધિકારનો પ્રયોગ કરવાની લાંબા સમયથી રાહ જોઈ રહેલા સુરતના મતદારો નિરાશ થયા છે. પ્રથમવાર મતાધિકારનો ઉપયોગ કરવા તૈયાર યુવા મતદારોએ પોતાના પ્રતિભાવ ETV Bharat ના માધ્યમથી શેર કર્યા.
- સુરતના 18 લાખ મતદારો સાથે મજાક થયો
ફર્સ્ટ ટાઈમ વોટર પૂજા જાદવે જણાવ્યું હતું કે, ઇલેક્શન એક તહેવારની રીતે મનાવાય છે અને વોટ કરવો એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. આ અધિકારનો પહેલીવાર પ્રયોગ કરવા જઈ રહી હતી, પરંતુ હવે હું એ નહીં કરી શકું. કેમ કે સુરતમાં જે બન્યું છે એનાથી સુરત લોકસભા બેઠકનું મતદાન હવે નહીં થાય. મુકેશ દલાલ વિજેતા જાહેર થયા છે. આપણે ત્યાં એક મતદાર માટે પણ આખું વોટીંગ બુથ ઊભું કરવામાં આવે છે, પરંતુ સુરતના 18 લાખ જેટલા મતદારો સાથે આજે મજાક થયો છે. તે બિલકુલ પણ યોગ્ય ન કહેવાય.
- આઠ ઉમેદવારોએ પોતાના ફોર્મ એક સાથે કેમ ખેંચ્યા, એ ખરેખર માનવામાં ન આવે
નિરાશા દર્શાવતા પૂજા જાદવે વધુમાં કહ્યું કે, આને લોકશાહી માટે ખતરા સમાન ગણાવી શકાય. મતદાન કરવું એ લોકોનો અધિકાર છે અને ત્યારે કોંગ્રેસ જેવી પાર્ટીના ઉમેદવાર પાસેથી તો આ અપેક્ષા નહોતી. સૌથી જૂની અને દેશમાં આટલા વર્ષો સુધી રાજ કરનાર પાર્ટીના ઉમેદવાર પાસેથી આવી અપેક્ષા તો નહોતી. બાકીના આઠ ઉમેદવારોએ પણ પોતાના ફોર્મ પાછા ખેંચ્યા તો, એક સાથે કેમ ખેંચ્યા એ ખરેખર માનવામાં ન આવે. આવું ન થવું જોઈએ, આના સામે પગલા ચોક્કસ લેવાં જોઈએ.
- ચૂંટણી નહીં થાય તેનું દુઃખ છે, મારો અધિકાર છીનવાઈ ગયો
અન્ય એક યુવા મતદાર તીર્થ લાલુવાડિયાએ કહ્યું કે, મારી ફર્સ્ટ ટાઈમ વોટ કરવાની ઘણી ઈચ્છા હતી. વોટર આઇડી મારા હાથમાં આવ્યો ત્યારે દરેક કારણો ધ્યાનમાં રાખી કોને વોટ તે વિચાર્યું હતું. ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું અને ચૂંટણી નહીં થાય તેનું દુઃખ છે. મારો જે અધિકાર હતો તે છીનવાઈ ગયો છે. હવે લોકસભા ચૂંટણી માટે મતદાન હું પાંચ વર્ષ પછી જ કરી શકીશ. લોકતંત્રમાં મતદાનનો અધિકાર છે અને વોટ આપવો જ જોઈએ. અધિકાર અમારી પાસે પીછી છીનવી લેવામાં આવ્યો છે, આ વસ્તુ ખોટી થયું છે.
- અમે મિત્રોએ વિચાર્યું હતું કે, એક સાથે જઈને ગ્રુપમાં વોટ કરીશું
અન્ય એક મતદાર અંજલીસિંઘે જણાવ્યું હતું કે, અમે ફર્સ્ટ ટાઈમ વોટ કરવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતા. પરંતુ જે રીતે સમાચાર આવ્યા કે ભાજપના ઉમેદવાર બિનહરીફ જીતી ગયા છે અને સુરતમાં હવે વોટિંગ નહીં થાય. તેનાથી અમે ખૂબ જ નિરાશ છીએ. એક ઉત્સુકતા હતી કે અમે ફર્સ્ટ ટાઈમ વોટ કરીશું. મિત્રોએ વિચાર્યું હતું કે એક સાથે જઈને ગ્રુપમાં વોટ કરીશું. પરંતુ વોટીંગ કેન્સલ થતા ખૂબ જ નિરાશા થઈ છે.
- વોટ કરવાનો ઉત્સાહ હતો તે જતો રહ્યો, આ ઘટના બની એ સારી નથી
સુરતના મતદાર આશિષ જણાવે છે કે, હું ફર્સ્ટ ટાઈમ વોટર છું અને આ વખતે પ્રથમ વાર વોટ કરવા જઈ રહ્યો હતો. વોટિંગને લઈ મને ખાસ ઉત્સાહ હતો. મારા પસંદના નેતાને હું વોટ કરવા માંગતો હતો. પરંતુ સુરતમાં જે ઘટના બની છે તે ક્યારેય પણ બની નથી. ભાજપના ઉમેદવાર બિનહરીફ જીત્યા છે. કોંગ્રેસના નેતાઓનું ફોર્મ રદ્દ થયું છે, જે યોગ્ય નથી ગણાતું. વોટ કરવા માટે જે ઉત્સાહ હતો તે પણ જતો રહ્યો છે. આ ઘટના બની એ સારી નથી.