સુરત : રવિવારી બજારમાં કાપડ વેચીને ગુજરાન ચલાવનાર સુરતના હર્ષદભાઈના પુત્ર યાજ્ઞિકે JEE MAIN 2024 માં શાનદાર પ્રદર્શન કરી સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યું છે. આજે જાહેર થયેલા JEE MAIN પરિણામમાં સુરતનો યાજ્ઞિક મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારમાં આવતા તમામ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યા છે, જે દેશના સર્વોચ્ચ એન્જિનિયરિંગ સંસ્થાનમાં એડમિશન મેળવવા માંગે છે.
પ્રેરણાદાયી ઉદાહરણ : સુરતનો વિદ્યાર્થી યાજ્ઞિક તાજેતરમાં લેવાયેલ JEE MAIN 2024 પરીક્ષામાં 99.72 PR મેળવીને રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું નામ રોશન કર્યું છે. જોકે તેનું પરિણામ જ તેની પ્રશંસાનું કારણ નથી. કારણ કે સામાન્ય પરિવારમાંથી આવતા યાજ્ઞિકના પિતા રવિવારી બજારમાં કાપડ વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આવી પરિસ્થિતીમાં પણ યાજ્ઞિકે દિવસ-રાત મહેનત કરી ઝળહળતું પરિણામ મેળવ્યું છે.
વિપરીત સ્થિતિમાં મહેનત : યાજ્ઞિક હાલ કતારગામ વિસ્તારમાં સ્થિત રમણનગર સોસાયટીમાં રહે છે. તેઓ મૂળ ભાવનગર જિલ્લાના તાવેડ ગામના વતની છે. યાજ્ઞિકના પિતા માત્ર ધોરણ સાત સુધી ભણ્યા છે, જ્યારે માતા ધોરણ 10 સુધી ભણ્યા છે. એક બહેનના લગ્ન થઈ ગયા છે, જ્યારે બીજી બહેન હાલ સરકારી નોકરી માટે ભણી રહ્યા છે. રવિવારી બજારમાં ખુલ્લી જગ્યા પર યાજ્ઞિકના પિતા કાપડ વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
યાજ્ઞિકનું સપનું શું ? યાજ્ઞિકે ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, હું રોજ 9 થી 10 કલાક ભણું છું. મારા પિતા અલગ અલગ ખુલી જગ્યા પર જ્યારે માર્કેટ ભરાય ત્યાં કાપડ વેચીને ગુજરાન ચલાવે છે. તેઓ ખૂબ જ સંઘર્ષ કરે છે. એમને જોઈને વિચાર આવ્યો કે હું પણ તેમની માટે કંઈક કરું. હું કમ્પ્યુટર સાયન્સમાં એડમિશન લેવા માંગુ છું. મારા પરિવારે જે સંઘર્ષ કર્યો છે તે મને મોટીવેટ કરે છે. ક્યારે પણ સોશિયલ મીડિયા એકાઉન્ટની શરૂઆત કરી નથી અને વિચાર પણ આવ્યો નથી.