ગીર સોમનાથ: આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ રહી છે. જેની રાજ્ય કક્ષાની ઉજવણી માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાસણ ખાતે ઉપસ્થિત રહીને સિંહ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. એશિયામાં એક માત્ર સિંહ ગીરમાં જોવા મળે છે. જેનું સંવર્ધન થાય તે વાત પર ભાર મૂકીને મુખ્યપ્રધાને સૌને સિંહ દિવસના અભિનંદન પાઠવ્યા હતા.
વિશ્વ સિંહ દિવસની ઉજવણીઃ આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં 21 લાખ લોકો સિંહ દિવસની ઉજવણીમાં સામેલ થયા હતા. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સાસણ સિંહ સદન ખાતે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સ્વયં હાજર રહીને સિંહ દિવસની ઉજવણીમાં સામેલ થયા હતા. સાસણ સિંહ સદન ખાતે રાજ્યકક્ષાની ઉજવણીમાં ગીર વિસ્તારના માલધારીઓ સામાન્ય લોકો રાજ્યના વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની સાથે શાળાના વિદ્યાર્થીઓએ હાજર રહીને સિંહ દિવસની ઉજવણીના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ તકે મુખ્યપ્રધાને સૌને સિંહનું સંવર્ધન અને તેને સુરક્ષા પૂરી પાડવામાં આવે તે માટેના શપથ પણ અપાવ્યા હતા.
સિંહ અને વન્ય જીવને લગતા પુસ્તકોનું કરાયું વિમોચનઃ વર્ષ 2016 થી પ્રથમ વખત વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવાની પરંપરા શરૂ થઈ હતી. જેમાં આજે રાજ્ય કક્ષાની ઉજવણીમાં બોલતા મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, સિંહ ન માત્ર આપણું પરંતુ સમગ્ર એશિયાનું ઘરેણું છે. જેનું પ્રતિનિધિત્વ કરવાની તક કુદરતે ગીરને આપી છે. ત્યારે ખૂબ જ મૂલ્યવાન અને જાજનવાન પ્રાણી આપણી જીવન વ્યવસ્થા સાથે પણ જોડાયેલું છે. જેનું રક્ષણ થાય અને તેના સંવર્ધન થકી સિંહોની વસ્તી ફરી એક વખત સમગ્ર વિશ્વમાં નોંધપાત્ર બને તે માટેનું કામ કરવાની સૌ કોઈને હાકલ કરી હતી. આ તકે મુખ્યપ્રધાન દ્વારા ગીરના સિંહની સાથે વન્યજીવ સૃષ્ટિ અને પક્ષી જગતને લગતા ત્રણ પુસ્તકોનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકોમાં ગીરના સિંહ અને તૃણાહારી પ્રાણીઓની સાથે વન્યજીવ સૃષ્ટિ અને અને પ્રાણી જગતની રહેઠાણ અને તેની પ્રાકૃતિક વ્યવસ્થાનો પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજના આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ પ્રધાન મુળુભાઈ બેરા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.