નવસારી : વિજલપોર નગરપાલિકા દ્વારા શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી આપવા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા છે. હજી પણ પાણી યોજના માટે પાલિકાએ 110 કરોડ રૂપિયા મંજૂર કરાવ્યા છે. પરંતુ શહેરના અનેક વિસ્તારમાં ઓછા દબાણે અને દુષિત પાણી આવતું હોવાની બુમરાણ ઉઠી રહી છે. ત્યારે ઉનાળા પહેલા જ શહેરમાં નહેરના રોટેશન બંધ રહેતા એક મહિનાનો પાણી કાપ મુકાયો હતો. જોકે મહિના ઉપર દિવસો વીત્યા બાદ આજથી શહેરને દિવસમાં બે ટાઈમ પાણી આપવામાં આવશે.
પાણી ન આવતા લોકોમાં રોષ : શહેરના પશ્ચિમ વિસ્તારના ગણેશ નગર સહિત આસપાસની સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી ન આવતા 50 પરિવારોની મહિલાઓમાં રોષ ફેલાયો હતો. ગત બે ત્રણ દિવસોથી સ્થાનિકો દ્વારા પાલિકામાં તેમજ સ્થાનિક નગરસેવિકા અને પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જાગૃતિ દેસાઈ ને ફોન કરીને પાણી સમસ્યા ના સમાધાન ની માંગ કરી હતી. જેમાં પાલિકાનો બોર બગડ્યો હોય, સમારકામ થતા પાણી મળતું થશે તેવી હૈયા ધરપત અપાતી હતી. જોકે દિવસો વીતતા ગયા પણ પાણી નથી મળ્યું.
તંત્ર સંતોષકારક જવાબ આપતું નથી : વાસણ, કપડા સહિત રોજિંદા કામ માટે પણ પાણી ન મળતા મહિલાઓની સ્થિતિ કફોડી બની છે. જ્યારે પીવાનું પાણી વેચાતું લેવાની નોબત આવી છે. પાલિકામાંથી ટેન્કર મંગાવતા પણ પાણી ન મળતા મહિલાઓ ભેગા થઇ, સુત્રોચ્ચાર કરી પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો. તેમાં પણ ટેન્કર મુદ્દે પૂર્વ ઉપપ્રમુખ જાગૃતિ દેસાઈ ના પતિ સંદીપ દેસાઈએ અમને શું કામ ફોન કર્યા કરો છો, અન્ય નગર સેવકો પણ છે, એમને ફોન કરો કહેતા મહિલાઓએ આક્રોશ પણ ઠાલવ્યો હતો. સાથે જ પાલિકાના ઘેરાવ ની વાત કરતા પાલિકાએ મોડે મોડે ટેન્કર મોકલ્યુ હતુ. જોકે મહિલાઓએ શુદ્ધ અને પુરતા દબાણથી પાણી મળતું થાય એવી માંગણી કરી છે.
સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કર્યો : સમગ્ર મામલે સોસાયટીના સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે, ઘણા દિવસથી અમે પાણી માટે વલખા મારી રહ્યા છે અને પાણી જ્યારે આવે છે ત્યારે ગંદુ પાણી આવે છે. જેની અમે અમારા કોર્પોરેટરને ઘણીવાર ફરિયાદ પણ કરી છે, પરંતુ અમારી ફરિયાદને ધ્યાને લેવામાં આવતી નથી. પાણી મુદ્દે અમે ઘણીવાર ફોન કરીએ છીએ તો અમારા ફોન ઉપાડવામાં આવતા નથી અને કોર્પોરેટર દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવે છે. જેને લઈને અમે આજે સોસાયટીના રહીશો મળીને પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે અને આવનાર સમયમાં અમારી માંગણી નહીં સંતોષાય તો પાલિકાનો પણ ઘેરાવો કરીશું.