અમદાવાદ : વધી રહેલા નશાના કારોબાર પર અંકુશ મેળવવા સતત સતર્ક અમદાવાદ પોલીસને મોટી સફળતા મળી છે. ઈસનપુર વિસ્તારમાં રહેતી મહિલા છૂટક એક-બે ગ્રામ સુધીનું ડ્રગ્સ વેચતી હતી. જે અંગેની બાતમી મળતા પોલીસે રેઈડ પાડી મહિલાને 6 લાખ 57 હજારની કિંમતના 64.790 ગ્રામ મેફેડ્રોન ડ્રગના મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી. સાથે બે ઇસમોની પણ ધરપકડ કરવામાં આવી છે.
MD ડ્રગ વેચતી મહિલા : અમદાવાદ SOG પોલીસ DCP જયરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે, મહિલા છેલ્લા એક વર્ષથી ઇસનપુરમાં આવેલા અમજા ફ્લેટમાં છૂટક રીતે મેફેડ્રોન ડ્રગનું વેચાણ કરતી હતી. જેમાં તેને ત્યાં આમિર ખાન આસિફ ખાન પઠાણ નામના ઇસમને કામ ઉપર રાખેલો હતો. તે પણ મહિલાના કહ્યા મુજબ છૂટક છૂટક ડિલિવરી કરતો હતો.
ડ્રગ સપ્લાય ક્યાંથી થયું ? DCP જયરાજસિંહ વાળાએ ઉમેર્યું કે, મહિલાના પતિ પાસે કોઈ રોજગારીનું સાધન ન હોવાથી તે રામોલમાં ડ્રગ્સ વેચનાર અન્ય મહિલાના સંપર્કમાં આવી હતી. જે મહિલાને ડ્રગ્સની ડિલિવરી આપતી હતી. જોકે રામોલની ડ્રગ્સ પેડલર મહિલાની ધરપકડ કરવાની બાકી છે. ઝડપાયેલી મહિલાએ લગભગ 6 કે 7 વખત ડ્રગ્સ વેચાણ માટે લીધું હતું. મહિલાના પતિ અકબર ખાન પર બે વખત કેસ નોંધાઈ ચૂક્યા છે, તેની પણ ધરપકડ કરવાની બાકી છે.
2 શખ્સોની ધરપકડ : આ મહિલા મેફેડ્રોન ડ્રગ્સને વિસ્તારમાં આજુબાજુમાં રહેતા રિક્ષાચાલકોને છૂટકમાં એક-બે ગ્રામની પડીકીઓ બનાવીને વેચતી હતી. આ બનાવ અંગે અમદાવાદ SOG પોલીસે 6.47 લાખની કિંમતના 64.790 ગ્રામ MD ડ્રગના જથ્થા સાથે 6.57 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.