વડોદરા : ડભોઇ રાધે કોમ્પલેક્ષની નજીક એક દંપતી વચ્ચે તકરાર થતાં પતિએ પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઇજાગ્રસ્ત પત્નીની તબિયત વધુ લથડતા તેને વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ પાંચ દિવસની સારવાર બાદ મહિલાનું મોત થયું હતું. આ મામલે હોસ્પિટલ વર્ધીના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી કસ્ટડી ભેગો કર્યો છે.
ઝઘડાનું કરુણ પરિણામ : આ અંગે મળતી વિગત અનુસાર ડભોઇ રાધે કોમ્પલેક્ષની પાછળના ભાગે રહેતા શ્રમજીવી પરીવારમાં 18 જાન્યુઆરીની રાત્રીના સુમારે દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. જોકે આ તકરારનું કરુણ પરિણામ આવ્યું છે. હિંસક ઝઘડામાં પતિએ ઉશ્કેરાઈને પત્નીના ગળાના જમણા ભાગમાં તીક્ષ્ણ હથિયારથી ઘા કરતા મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ઈજાગ્રસ્ત મહિલાને પ્રાથમિક સારવાર અર્થે ડભોઇ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
મહિલાનું હોસ્પિટલમાં મોત : જોકે બાદમાં ઈજાગ્રસ્ત મહિલાની તબિયત વધુ ખરાબ થતા તેને વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ પાંચ દિવસની સારવાર બાદ મહિલાનું મોત થયું હતું. ડભોઇ પોલીસે હોસ્પિટલની વર્ધીના આધારે હત્યાનો ગુનો દાખલ કરી આરોપી પતિને કસ્ટડી ભેગો કર્યો છે. એટલું જ નહીં પરંતુ પતિના હુમલામાં પત્નીનું મોત થતા પાંચ બાળકોને માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. જેમાં ત્રણ પુત્ર અને બે પુત્રી એમ પાંચેય માસુમ બાળકો માતા વગરના થઈ પડ્યા છે.
મજૂર પરિવાર ઉજડ્યો : ડભોઇ વડોદરી ભાગોળ વિસ્તારમાં આવેલ રાધે કોમ્પલેક્ષની પાછળ છેલ્લા એક વર્ષથી પોતાના પતિ ચીમનભાઈ તડવી સાથે રહેતી મહિલાનું આ ઘટનામાં મોત થયું છે. આ દંપતી કચરામાંથી ભંગાર વીણી પોતાનું અને પાંચ સંતાનોનું ગુજરાન ચલાવી રહ્યા હતા. 18 જાન્યુઆરીની કાળમુખી રાત્રે કોઈ કારણોસર બંને વચ્ચે તકરાર થતાં આવેશમાં આવી ચીમન તડવીએ પોતાની પત્ની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો.