જૂનાગઢ : આજે સમગ્ર દેશ 78 મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવી રહ્યું છે, ત્યારે આજના દિવસે દિલ્હીના લાલ કિલ્લા પરથી વડાપ્રધાનની સાથે સમગ્ર દેશ રાષ્ટ્ર ધ્વજને સલામી આપી રહ્યો છે.
રાષ્ટ્રીય પર્વની ઉજવણી : ભારતના બે રાષ્ટ્રીય પર્વ ગણતંત્ર દિવસ અને સ્વતંત્ર દિવસે લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજને સલામી આપવાનો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાય છે. જેમાં ભારતની સાથે વિશ્વના ગણમાન્ય વ્યક્તિઓ પણ સામેલ થાય અને રાષ્ટ્રધ્વજને સલામી આપતા હોય છે. સ્વાતંત્ર્ય પર્વ અને ગણતંત્ર પર્વ નિમિત્તે રાષ્ટ્રધ્વજને ફરકાવવાની બે અલગ અલગ વિધિ રાખવામાં આવી છે.
ધ્વજવંદનની પ્રણાલિકા :
15મી ઓગસ્ટ, 1947 ના દિવસે ભારત આઝાદ થયો ત્યારથી સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે રાષ્ટ્રધ્વજને પોલ પર નીચે બાંધવામાં આવે છે અને પછી રસી દ્વારા નીચેથી ખેંચીને ઉપર લઈ જવામાં આવે છે. ત્યારબાદ તિરંગાને ખોલીને લહેરાવવામાં આવે છે જેને અંગ્રેજીમાં flag hoisting કહેવામાં આવે છે.
બીજી તરફ 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. જેને લઈને યોજાતી પરેડમાં રાષ્ટ્રધ્વજને ઉપર તરફ બાંધી દેવામાં આવે છે અને રસી ખેંચીને ત્યાંજ ફરકાવવામાં આવે છે. જેને અંગ્રેજીમાં flag unfurling કહેવામાં આવે છે.
ગણતંત્ર અને પ્રજાસત્તાક દિનની પરેડ :
રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે ગણતંત્ર અને સ્વતંત્ર દિનની પરેડ પણ વિશેષ મહત્વ ધરાવે છે. સ્વાતંત્ર દિનની ઉજવણીની પરેડ દિલ્હીના રાજપથ ખાતે કરવામાં આવે છે. આ પરેડ રાષ્ટ્રપતિ ભવનથી શરૂ થાય છે અને ઇન્ડિયા ગેટ પર સમાપ્ત થાય છે. સાથે જ આ ઉજવણીમાં ભારતની સૈન્ય, સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક વિકાસની પ્રકૃતિઓ પરેડમાં સામેલ કરવામાં આવે છે, જેમાં રાષ્ટ્રપતિ પરેડની સલામી જીલે છે.
બીજી તરફ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં રાષ્ટ્રીય કાર્યક્રમ લાલ કિલ્લા પર આયોજિત થાય છે. જેમાં રાષ્ટ્રધ્વજને વડાપ્રધાન સલામી આપીને રાષ્ટ્રને સંબોધિત કરે છે.