જુનાગઢ: વિક્રમ સંવતના વર્ષમાં ચાર નવરાત્રીઓ આવતી હોય છે જેને માતાજીના અનુષ્ઠાન માટે અલગ અલગ પ્રકારે ઉજવવામાં આવે છે. વિક્રમ સંવતના બાર મહિના દરમિયાન ચૈત્રી શાકંભરી અષાઢી એટલે કે ગુપ્ત અને આસો નવરાત્રીની ઉજવણી થતી હોય છે. હાલ અષાઢી નવરાત્રી એટલે કે ગુપ્ત નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે જેમાં માઇ ભક્તો મા દુર્ગાદેવીના મંદિરમાં બેઠા ગરબા રૂપે માતાની આરાધના કરીને અનોખી રીતે ગુપ્ત નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે.
અષાઢ મહિનામાં આવતી ગુપ્ત નવરાત્રી: હિન્દુ પંચાંગના બાર મહિના દરમિયાન ચાર નવરાત્રીઓ આવતી હોય છે આ ચારેય નવરાત્રીમાં માઇ ભક્તો પોતાની આસ્થા અનુસાર શક્તિ સ્વરૂપામાં જગદંબાની આરાધના અને તેના ગુણાનુંવાદ કરતા હોય છે. વર્ષ દરમિયાન આવતી ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રી માય ભક્તો માટે અનુષ્ઠાન પૂજન અને ભક્તિ માટે એક અનોખો પ્રસંગ બની રહેશે, ત્યારે અષાઢ મહિનામાં આવતી અષાઢી એટલે કે ગુપ્ત નવરાત્રીની ઉજવણી પણ માતાના અનુષ્ઠાન અને તેની પૂજા માટે વિશેષ મહત્વની માનવામાં આવે છે. ત્યારે પાછલા 70 વર્ષથી જૂનાગઢના નાગરવાડામાં આવેલા દુર્ગાદેવીના સ્થાનકમાં માય ભક્તો બેઠા ગરબા કરીને ગુપ્ત નવરાત્રિની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરી રહ્યા છે.
હિંદુ પંચાંગમાં ચાર નવરાત્રીનો ઉલ્લેખ: વિક્રમ સવંતના હિન્દુ પંચાગમાં ચાર નવરાત્રીનો ઉલ્લેખ કરવામાં આવે છે. જેમાં ચૈત્રી નવરાત્રી માતાના ખૂબ જ આકરા અનુષ્ઠાન માટે જગવિખ્યાત છે, તો શાકંભરી નવરાત્રી દરમિયાન માઈ ભક્તો વનસ્પતિ દ્વારા શરીરનું પોષણ કઈ રીતે થાય તેને ધ્યાનમાં રાખીને ઉજવણી કરતા હોય છે. અષાઢ મહિનામાં આવતી ગુપ્ત નવરાત્રીમાં પણ માતાનું અનુષ્ઠાન કરવાની એક વિશેષ પરંપરા જોવા મળે છે. અષાઢી નવરાત્રી દરમિયાન બેઠા ગરબા અને માતાનું અનુષ્ઠાન મહત્વનું માનવામાં આવે છે. આસો નવરાત્રી કે જે વિશ્વના કોઈપણ ખેલૈયાઓ માટે એક મહત્વની નવરાત્રી છે, આ નવરાત્રી દરમિયાન માઇ ભક્તો માતાના ફરતા ગરબે ઘૂમીને આસો નવરાત્રીની ઉજવણી કરતા હોય છે.
નવરાત્રીનું ધાર્મિક મહત્વ અને પૂજન: અષાઢી એટલે કે ગુપ્ત નવરાત્રી દરમિયાન માઈ ભક્તો દ્વારા માતાનો ગુપ્ત અનુષ્ઠાન તેમજ કવચ અને ચંદીપાઠની સાથે બેઠા ગરબાનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. ગુપ્ત નવરાત્રી દરમિયાન માઇ ભક્તો માઇ કલાપી, કવિ સુમન, કવિ વલ્લભ ભટ્ટ અને કવિ વિનુભાઈ અમીપરા જેવ અનેક કવિઓ દ્વારા લખવામાં આવેલ માતાની આરાધનાની કવિતા માતાના દરબારમાં ગુણાનુવાદ કરીને વિશેષ રીતે ગુપ્ત નવરાત્રીની ઉજવણી થાય છે. ગુપ્ત નવરાત્રી દરમિયાન માઇ કલાપીની સમાધિ તિથિ પણ આવે છે. આ જ નવરાત્રી દરમિયાન તાપી સાતમે સૌભાગ્યવતી સ્ત્રીઓ ઉપવાસ અને વ્રત કરે છે. નવરાત્રીના નોમના દિવસે પ્રખર જ્યોતિષી કે જેને આજે પણ વિશ્વના તમામ જ્યોતિષીઓ પોતાનો આદર્શ માને છે તેવા ભડલીનો પણ પ્રાગટ્ય દિવસ આવે છે. પરિણામે અષાઢ મહિનામાં આવતી ગુપ્ત નવરાત્રી ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે.