રાજકોટ: ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે, પણ ટાઢ, તાપ, તડકો, વરસાદ જેમને અસર નથી કરતા, જળ હોય કે જંગલ, રણ હોય કે દરિયો કે નભ જેમનું મનોબળ મક્કમ હોય છે તેવા નિવૃત યુદ્ધવીરો સાથે ETV BHARATએ તેમનાં ચૂંટણી ચૌપાલ કાર્યક્રમમાં ચર્ચાઓ કરીને જાણ્યું કે, આ વખતે લોકસભાની યોજાનારી ચૂંટણીઓને ધ્યાને લઈને આ યુદ્ધવીરો મોંઘવારી, શિક્ષણ, રોજગારી, રાષ્ટ્રવાદ, વિકાસ, અર્બન-ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ તેમના અનેકો-એનેક પડતર પ્રશ્નોને વાચા આપનારા નેતાને ચૂંટવા ઉત્સુક છે.
રાજકીય પક્ષને જાકારો આપવો જોઈએ: આ યુદ્ધવીરોનું ચોક્કસ માનવું છે કે, કોમવાદી કે જ્ઞાતિવાદી વલણને પ્રોત્સાહન આપતા નેતાઓ કે રાજકીય પક્ષને જાકારો આપવો જોઈએ. પર્યાવરણ જેવા સંવેદનશીલ મુદ્દે જે નેતાઓ કોઈ યોજના ધરાવતા હોય, તેમજ શહેરી પ્રશ્નો જેવા કે રોડ-રસ્તાઓ, ટ્રાફિક સંચાલન, વેસ્ટ મેનેજમેન્ટ જેવા વિષય વસ્તુને લઈને ગંભીર હોય તેવા નેતાઓ આવકાર્ય છે. તદુપરાંત અર્ધ-લશ્કરી દળોનાં પડતર પ્રશ્નો જેવા કે મૃતક સૈનિકને શાહિદનો દરજ્જો આપવા માટે જે નેતાઓ ગંભીર હશે તેવા નેતાને આ માજી સૈનિકો તેમનો કિંમતી મત આપવા માંગે છે.
ETV ભારતનો ચૌપાલ કાર્યક્રમ: રાષ્ટ્ર માટે પોતાનાં પ્રાણ ન્યોછાવર કરનારા યુદ્ધવીરો માટે કોઈ પક્ષ પસંદગીનો કે નાપસંદગીનો પક્ષ નથી, જે પક્ષ માટે રાષ્ટ્રભાવના સર્વોચ્ચ હોય, જેને માટે રાષ્ટ્રવાદની ભાવના સર્વોપરી હોય તેવા પક્ષનાં નેતાને જ આ માજી સૈનિકો ચોંટી કાઢવા ઉત્સુક છે. ETV ભારત તેમના ચૌપાલ કાર્યક્રમ દ્વારા આવનારા દિવસોમાં સમાજનાં ગરીબથી લઈને મધ્યમ વર્ગ તેમજ સમાજનાં ઉચ્ચ વર્ગ સાથે ચર્ચાઓ કરીને મતદાતાઓ મતદાન કરવા જતા પહેલા ક્યા-ક્યા મુદાઓને ધ્યાને લઈને તેમનો મત આપતા હોય છે તેનાં પર તલસ્પર્શી ચર્ચાઓ કરશે અને જ્યારે 7મી મેં નાં દિવસે ગુજરાત રાજ્યમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે મતદાતાઓ ક્યા મુદ્દે અને કેવી રીતે તેમનો કિંમતી અને પવિત્ર મત આપતા પહેલા ક્યા મુદ્દાઓ પર ચિંતન કરી રહ્યા છે. તે અંતર્ગત એક પ્રકારે સંક્ષિપ્ત દિશાસૂચન પણ કરશે.