ખેડા: નદીમાં પાણીના વધારાના પરિણામે ખેડા અને વડોદરા જીલ્લાને જોડતો પુલ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થતાં પુલ પરની તમામ અવરજવર બંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ખેડા અને આણંદ જીલ્લાના 36 જેટલાં ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. કડાણા ડેમમાં થઇ રહેલી પાણીની ભારે આવકને પગલે કડાણા ડેમમાંથી 2,69,000 ક્યુસેક પાણી વણાકબોરી ડેમમાં છોડવામાં આવી રહ્યું છે. જે પાણી વણાકબોરી ડેમમાંથી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે.
નદી પરનો ગળતેશ્વર પુલ પાણીમાં ગરકાવ: નદીમાં પાણી છોડવામાં આવતા મહી નદીએ સાગરનું રૂપ ધારણ કર્યું છે. નદી બે કાંઠે વહી રહી છે, જેને કારણે ખેડા અને વડોદરા જીલ્લાને જોડતો પુલ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઇ જવા પામ્યો છે. તંત્ર દ્વારા પુલ પરની તમામ અવરજવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ખેડા અને આણંદ જીલ્લાના 36 ગામો એલર્ટ કરાયા: મહીસાગર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરી લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી હતી. ઉપરવાસમાંથી પાણીની આવક રહેવાની શક્યતાને લઈ મહીસાગર નદીમાં હજુ વધુ પાણી છોડવામાં આવી શકે છે. જેને લઇ તંત્ર એલર્ટ બન્યું છે. લોકોને સાવચેતી રાખવા તેમજ સલામત સ્થળે ખસી જવા સૂચના આપી એલર્ટ જાહેર કર્યું છે. ખેડા જીલ્લાના ઠાસરા તાલુકાના 5 ગામો અને ગળતેશ્વર તાલુકાના 11 ગામો તેમજ આણંદ જીલ્લાના નદી કિનારાના ગામો મળી 36 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: