મોરબી: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વાંકાનેરના પ્રાચીન સ્વયંભુ શિવલિંગ એવા જડેશ્વર મંદિર ખાતે પરંપરાગત મેળો યોજાય છે. આ મેળામાં હજારોની મેદની પહોંચી હતી. મંદિરે દર્શનનો લાભ લઈને મેળાનો આનંદ લઈને બે યુવાન મિત્રો પરત ફરી રહ્યા હોય ત્યારે વડસર ડુંગર પાસે દીપડાએ યુવાનો પર હુમલો કર્યો હતો. જેમાં બાઇક સવાર વાંકનેરનો રહેવાસી 21 વર્ષીય વત્સલ પુજારા અને તેની સાથેના અન્ય એક યુવાનને ઇજા થઇ હતી.
આ ધટનામાં બંને યુવાનોના માથામાં દીપડાનો પંજો લાગ્યો હોવાની માહિતી મળી છે. સમગ્ર ઘટના દરમિયાન રોડ ઉપર ટ્રાફિક હોવાથી દિપડો પાછો જંગલમાં ભાગી ગયો હતો. જોકે ઈજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિક સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ વાંકાનેર વન વિભાગની ટીમને કરવામાં આવતા તેઓ તરત જ દોડી આવ્યા હતા અને કામગીરી શરુ કરવામાં આવી હતી. આ મામલે વાંકાનેર ફોરેસ્ટ વિભાગના અધિકારી પ્રતિક અધિકારી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે અને સાંજના સુમારે પીજરું મુકવા સહિતની કામગીરી કરવામાં આવશે.