સુરત: VNSGUમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે અને આ પરીક્ષામા કોઈપણ પ્રકારે ગેરરીતિ ન કરવામાં આવે આ માટે સીસીટીવી ફૂટેજ સહિત સ્કવોડની નજર છે. તેમ છતાં ભણીને નહીં આવનાર વિદ્યાર્થીઓ ગેરરીતિ કરવા માટે અવનવા ધતિંગ કરતા નજરે આવે છે. એમાંથી જ એક વિદ્યાર્થીને સ્કવોડે ઝડપી પાડ્યો હતો, કે જેણે માઈક્રો ઝેરોક્ષ કપડા કે જૂતામાં નહીં પરંતુ ચપ્પલના સોલમાં ખાનુ બનાવીને સંતાડી રાખ્યો હતો.
ચતુરાઈથી પરીક્ષામાં ગેરરીતિ: યુનિવર્સિટીમાં બીએસસી કેમેસ્ટ્રીની થર્ડ ઇયરની પરીક્ષા સમયે એટીકેટીની પરીક્ષા આપવા આવેલા એક વિદ્યાર્થી ચતુરાઈથી પરીક્ષામાં ગેરરીતિ આચરી રહ્યો હતો. પરંતુ તેની ઉપર સ્કવોડની નજર ગઈ અને ચેકિંગ કરાતા તેની પાસેથી માઈક્રો ઝેરોક્ષ મળી આવ્યા હતા અને આ તમામ માઈક્રો ઝેરોક્ષ તે કાપલા બનાવીને પહેલાથી જ પરીક્ષા ખંડમાં લઈ આવ્યો હતો.
યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે સ્કવોડ દ્વારા જ્યારે આ વિદ્યાર્થીની ચેકિંગ હાથ ધરવામાં આવી ત્યારે તેણે ચપ્પલ કાઢી સોલના ખાનામાં સંતાડેલી કાપી આપી હતી. પરીક્ષામાં ગેરરીતિ કરવા માટે તેને પોતાના ચપ્પલમાં ખાસ ખાનું બનાવ્યું હતું. જેમાં તેને અનેક કાપલાં સંતાડ્યા હતા. એટીકેટીના વિદ્યાર્થી સામે હાલ કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ પણ અમે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારે ગેરરીતિ પરીક્ષામાં કરશે તો તેની સામે કડક પગલાં ભરવામાં આવશે.