ભાવનગર: ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન પરંતુ આપણે વાત કરવી છે. ભાવનગરની અંધ ઉદ્યોગ શાળાના વિદ્યાર્થીઓની કે જેવો છેલ્લા ઘણા વર્ષોથી ભાઈ-બહેનના પવિત્ર બંધનને જાળવી રાખતી રાખડીઓ બનાવવાનું કામ કરી રહ્યા છે. આ પ્રજ્ઞાચક્ષુ બહેનોને અને ભાઈઓને તેમાંથી આર્થિક ઉપાર્જન પણ થાય છે અને ટ્રેનિંગના ભાગરૂપે સ્વાવલંબી બનવા માટે રાખડી બનાવતા પણ શીખવા મળે છે, ચાલો જાણીએ સંસ્થા ધીરે ધીરે કઈ રીતે આગળ વધી.
2018થી સતત રાખડી બનાવતી અંધઉદ્યોગ શાળા: ભાવનગર અંધ ઉદ્યોગશાળાના અધ્યક્ષ લાભુભાઈ સોનાણીએ જણાવ્યું હતું કે 2018 થી શાળામાં અભ્યાસ કરતા ખાસ કરીને દીકરીઓ અને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે, આર્થિક ઉપાર્જન કરતા થાય અને એને તાલીમ મળે કે કેવી રીતે રાખડી બનાવી શકાય એવા હેતુથી 2018 થી આપણે આ છોકરાઓને તાલીમ આપીને રાખડીઓ બનાવીએ છીએ. અને એના દ્વારા જે રાખડીઓ તૈયાર થાય છે, જેનું તેઓ વેચાણ કરે છે. એમાંથી જે આવક થાય છે એ લોકોને પણ આર્થિક ઉપાર્જન થાય, બાળકો પોતાની ખરીદી કરી શકે, પૈસા વાપરી શકે. તેથીે નંગ દીઠ વેચાણ થાય પછી બાળકોને પૈસા આપીએ છીએ. મટિરિયલ્સનો, ટ્રેનિંગ આપવાનો બધો જ ખર્ચ સંસ્થા તરફથી હોય છે.
રાખડીઓ બનાવવા પાછળ સંસ્થાનો હેતુ: અંધ ઉદ્યોગશાળાના અધ્યક્ષ લાભુભાઈ સોનાણીએ જણાવ્યું હતું કે અમારો હેતુ માત્ર એટલો જ છે કે વિદ્યાર્થી અભ્યાસની સાથે સાથે સ્વાવલંબી બને. તેમજ શિક્ષણ લઈને પોતાનું આર્થિક ઉપાર્જન કરવું હોય તો કેવી રીતે કરી શકાય. બાળકોને સ્વાવલંબી બનાવવા માટે આ આખી વ્યવસ્થા છે. આની સાથે સાથે મીણબત્તી, અગરબત્તી પછી નવરાત્રી હોય ત્યારે રાસ ગરબા સજાવવા આ બધું પ્રવૃતિઓ પણ આપણે કરાવતા હોઈએ છીએ.
વિદ્યાર્થીનીઓ કઈ રીતે શીખે છે રાખડી: વિદ્યાર્થીની આરતીબાએ જણાવ્યું હતું કે હું ધોરણ 11 માં અભ્યાસ કરું છું, હું છેલ્લા 9 વર્ષથી આ શાળામાં અભ્યાસ કરું છું. સ્કૂલમાં હું છેલ્લા ઘણા વર્ષોથી રાખડી બનાવું છું. અમને એવી ટ્રેનિંગ આપવામાં આવે છે. પહેલા કે રાખડી કેવી રીતે બનાવવી ? શું કરવું ? તો જે સાવ ટોટલ બલાઇન્ડ છે. તેને એક રાખડીનું મોડલ બતાવવામાં આવે છે અને તેમાં દોરો કેવી રીતે પરોવવો ?
એક વાળો આપવામાં આવે છે અને તેમાં કેવી રીતે આપણે પૂરી શકીએ. એવી રીતે અમને પહેલા હાથથી પકડીને ટ્રેનિંગ આપવામાં આવે છે. પછી ધીમે ધીમે અમે લોકો એમ ટ્રેઇન થઈને રાખડીઓ જુદી જુદી પ્રકારની બનાવીએ છીએ. અત્યારે તમે લોકો જોઈ રહ્યા છો કે અમારી બહેનો બધી રાખડી બનાવી રહી છે. ભાઈઓ રાખડીનું પેકિંગ કરે છે. અમે જેમ કે વીરા છે, મારો ભાઈ છે. અલગ અલગ એવી રીતે અલગ પ્રકારની રાખડીઓ હોય છે અને મને આમાંથી ઘણું જ શીખવા મળ્યું છે.
સંસ્થાનો ટાર્ગેટ શું: ભાવનગર અને ઉદ્યોગ શાળાના અધ્યક્ષ લાભૂભાઈ સોનાણી સાથે મૌખિક થયેલી વાત પ્રમાણે આ વર્ષે તેમને રાખડી બનાવવાના કાચા મટીરીયલ્સ માટે એક લાખ જેટલી કિંમતનો ખર્ચ કર્યો છે. જો કે મટીરીયલ્સની કિંમત સંસ્થા ભોગવે છે. લાભૂભાઈનું કહેવું હતું કે તે લોકો દર વર્ષે પાંચ લાખ સુધીના ટાર્ગેટ સુધી પહોંચવા માંગે છે. જો કે વધુ રાખડીના ઉત્પાદનથી વિદ્યાર્થીઓને નંગ દીઠ એક થી બે રૂપિયા આપવામાં આવે છે. જેથી તેને પણ ખર્ચ માટેના પૈસા નીકળી જાય છે.