અમદાવાદ: દેશ અને મા ભૌમની રક્ષા તેમજ સ્વાતંત્ર્ય સેનાઓના બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે અમદાવાદના સાંણદ પાસે શહીદ દિવસ નિમિત્તે વીરાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામા કલાકારોની સાથે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યાં હતાં. ખાસ કરીને ભગતસિંહ, સુખદેવ અને રાજગૂરૂ જેવા દેશના યુવા સપુતોની શહીદીમાં દર વર્ષે વિરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
વર્ષ 2007થી સાણંદ બકરાણા ખાતે વિરાંજલિ સમિતિ અને પ્રદિપસિંહ વાઘેલા દ્વારા દેશભક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ શહીદોના સન્માનમાં વીરાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
સાણંદના એકલિંગજી રોડ પર યોજાયેલા આ કાર્યક્રમમાં સાંઈરામ દવે, કિર્તીદાન ગઢવી અને અલ્પા પટેલ જેવા કલાકારોએ ગીતો અને વાતોની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે ઉમટી પડેલી 30 હજાર જેટલી જનમેદની દેશભક્તિના રસપાનમાં તરબોળ થઈ ગઈ હતી.
આ ઉપરાંત એક્ટ્રેસ ભક્તિ રાઠોડે સ્ટેજ પર ક્રાંતિકારી દૂર્ગાભાભીને જીવંત કર્યા હતાં. જ્યારે ગુજરાતી ફિલ્મ કલાકાર ધર્મેન્દ્ર ગોહિલે ચંદ્રશેખર આઝાદની અંતિમ સમયે પોતાના મારેલી ગોળી વખતે શુ વિચાર કર્યો હશે તે વાતને સ્ટેજ પર રજૂ કરી હતી ત્યારે લોકો આફરિન પોકારી ગયા હતાં. તો આરજે આકાશે ફરી
એકવાર વીરાંજલિ કાર્યક્રમના મંચ પર ભગતસિંહને ભજવ્યા ત્યારે ચોતરફ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વિરાંજલિ કાર્યક્રમમાં મુંબઈથી આવેલા ડિમોલિશન ગ્રુપે પણ દેશભક્તિના ગીતો પર સ્ટંટ કરીને સરહદ પર લડતા સૈનિકોની કથા અને વ્યથા રજૂ કરી હતી અને મંચ પર ભજવાયેલા તમામ મોનોલોગનું ડિરેક્શન વિરલ રાચ્છે કર્યુ હતું. જ્યારે સંગીત રાહુલ મંજારીયા અને કોરિયોગ્રાફી અંકુર પઠાણની હતી.
વિરાંજલિ સમિતિ દ્વારા યોજાયેલા આ ક્રાર્યક્રમને સાણંદ અને આસપાસથી આવેલી જનતાએ મનભરીને માણ્યો અને ક્રાંતિકારીઓના જીવનને એક નવી રીતે જાણ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હાજર રહેલા તમામ લોકો અને દેશભક્તિના આ કાર્યક્રમને સફળ બનાવવા દિવસ-રાત મહેનત કરેલા તમામ લોકોનો સમિતિએ હૃદય આભાર વ્યક્તિ કર્યો હતો.