જૂનાગઢ: ચોમાસાના સમયગાળા દરમિયાન મિશ્ર ઋતુ ચાલી રહી છે. તેની વચ્ચે વાયરલ અને બેક્ટેરિયા દ્વારા ફેલાતી બીમારીઓનું પ્રમાણ પણ વધતુ હોય છે. આવા સમયે પાલતુ પ્રાણીઓમાં પણ વાઇરલ બીમારીનો ખતરો ઉભો થાય છે. આ સમય દરમિયાન જો પાલતુ પ્રાણીઓની વિશેષ સાર સંભાળ રાખવામાં ન આવે તો માણસોમાં થતા કેટલાક રોગો પશુમાં અને પશુમાં થતા કેટલાક રોગો માણસોમાં થઈ શકે છે. જેમાંથી કેટલાક રોગોમાં પાલતુ પ્રાણી અને તેની સંભાળ રાખનારા વ્યક્તિનું મોત પણ થવાની શક્યતા વધી જાય છે.
મિશ્ર ઋતુમાં પાલતુ પ્રાણીનું રાખો ધ્યાન: ચોમાસાના આ સમય દરમિયાન વાયરસ અને બેક્ટેરિયાથી થતા રોગચાળાનું પ્રમાણ સૌથી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. માણસોમાં થતા કેટલાક રોગો પ્રાણીઓમાં અને પ્રાણીઓમાં થતા કેટલાક રોગો માણસોમાં આ ઋતુ દરમિયાન ખૂબ જ ઝડપથી ફેલાતા હોય છે, ત્યારે જે લોકો પાસે પાલતુ પ્રાણીઓ જેમાં સૌથી વધારે પ્રમાણમાં શ્વાન અને બિલાડીનો સમાવેશ થાય છે તે જોવા મળતા હોય છે. ચોમાસાની આ મિશ્ર ઋતુમાં શ્વાન અને બિલાડીમાં પણ વાઇરસ ઇન્ફેક્શનને કારણે કેટલાક રોગો માથું ઊંચકતા હોય છે. જેનું સમયસર નિદાન ન કરવામાં આવે તો આવા રોગો શ્વાન કે બિલાડીમાંથી વ્યક્તિમાં અને વ્યક્તિમાંથી શ્વાન કે બિલાડીમાં પ્રવેશ કરતા હોય છે. જેને કારણે કેટલાક કિસ્સામાં પાલતુ પ્રાણીનું કસમયે કે બીમારીને કારણે મોત થવાની શક્યતા વધી જતી હોય છે.
ચાચડ અને ઇતડીની કરવી જોઈએ વિશેષ તપાસ: ચોમાસા દરમિયાન મિશ્ર ઋતુના સમયમાં શ્વાન અને બિલાડીમાં વાઇરસથી થતા રોગોનું વિશેષ પ્રમાણ અટકાવવા માટે પ્રત્યેક વ્યક્તિએ તેમને ઘરે રહેલા શ્વાન કે બિલાડીને રસીકરણથી સુરક્ષિત કરીને સંભવિત બીમારીનો ખતરો દૂર કરવો જોઈએ. પાલતુ પ્રાણીઓમાં ચાચડ અને ઇતડીનું પ્રમાણ આ ઋતુ દરમિયાન સૌથી વધારે હોય છે. ચાચળ અને ઇતડી પણ રોગ ફેલાવવા માટે મહત્વનું પરિબળ બને છે. ત્યારે પ્રત્યેક વ્યક્તિએ તેના પાલતુ પ્રાણીમાં ચાચડ અને ઇતડી છે કે નહીં તેની તપાસ કરાવીને તેનું નિદાન પણ કરાવવું જોઈએ.
આ ઋતુમાં લેપટોસ્પાઈરોસીસ પ્રાણ ઘાતક: આ સમય દરમિયાન પાલતુ પ્રાણીના પંજાની પણ વિશેષ દેખભાળ રાખવી જોઈએ. ગત વર્ષે લેપટોસ્પાઈરોસીસના કિસ્સા સામે આવ્યા હતા. લેપટોસ્પાઈરોસીસ કોઈપણ વ્યક્તિથી શ્વાનમાં અને શ્વાન માંથી વ્યક્તિમાં થઈ શકે તેવો રોગ છે. જે ખુબ ગંભીર અને પ્રાણ ઘાતક પણ માનવામાં આવે છે. જેમાં કોઈપણ વ્યક્તિની સાથે પાલતું શ્વાનનું મોત પણ થઈ શકે છે. લેપટોસ્પાઈરોસીસ થવાના કિસ્સામાં કોઈપણ વ્યક્તિ કે શ્વાનનું લીવર કામ કરતું બંધ થઈ જવું કિડનીને ખૂબ મોટી અને ગંભીર અસરની સાથે કમળાનો રોગ પણ થવાની શક્યતા છે, ત્યારે મિશ્ર ઋતુ દરમિયાન પ્રત્યેક વ્યક્તિએ પોતાના પાલતુ પ્રાણીઓને રસીકરણથી સુરક્ષિત કરીને સંભવિત બીમારી સામે રક્ષણ આપવું જોઈએ.