મહેસાણા : "CM જમાઈ સાહેબ અમારા ગામના નામની જોડણી સુધારી આપો" આ માંગણી છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાસરી વિસ્તારના ગ્રામજનોની. મહેસાણાના લાંઘણજ ગામનું નામ કેટલીક જગ્યાએ લાગણજ ચાલે છે. જેના કારણે સ્થાનિક ગ્રામજનોને વહીવટી કામમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ગામના નામનો લોચો : મહેસાણાના લાંઘણજ ગામના નામને લઈને પ્રશ્ન ઊભો થયો છે. આ ગામનું નામ વર્ષોથી નહિ સુધરતા આખરે સ્થાનિકો મુખ્યમંત્રીને રજૂઆત કરી રહ્યા છે. લાંઘણજ ગામ સીએમ ભુપેન્દ્ર પટેલનું સાસરી થાય છે. એટલે સ્થાનિકો કહી રહ્યા છે કે, સાંભળો ગામના જમાઈ, તમારા સાસરી લાંઘણજને વહીવટી વિભાગમાં લાગણજ તરીકે લખવામાં આવે છે. જેથી વહીવટી કાગળમાં આમ અલગ અલગ નામ લખતા લોકોને મુશ્કેલી પડે છે.
બે નામથી થતી સમસ્યા : લાંઘણજ અને લાંગણજ બે નામ ચાલતા હોવાથી સ્થાનિકો હેરાન પરેશાન છે. પોસ્ટમાં લાંઘણજ ચાલે છે તો મહેસૂલમાં લાંગણજ ચાલે છે. વીમા અને પાસપોર્ટની કામગીરીમાં જોડણીના કારણે સ્થાનિકો પરેશાન છે. સ્થાનિકો દ્વારા કલેકટર અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે. લાંઘણજ ગામ સીએમ પટેલનું સાસરી થાય છે, ત્યારે સ્થાનિક ગામના જમાઈને નમ્ર અરજ કરી રહ્યા છે કે, ગામના નામની જોડણી સુધારી આપો.
ગ્રામજનોની રજૂઆત : સીએમ ભુપેન્દ્ર પટેલના સાસરીના ગામના નામનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. લાંઘણજ ગામના જમાઈ થાય છે, સીએમ ભુપેન્દ્ર પટેલ. એટલે લાંઘણજ ગામના CM જમાઈને બનેવી કહી નમ્ર રજૂઆત ગ્રામજનો કરતા નજરે પડી રહ્યા છે. સ્થાનિકો પોતાના ગામના સીએમ જમાઈને લાંઘણજ ગામના નામની જોડણી સુધારવા નમ્ર રજૂઆત કરી રહ્યા છે.