નવસારી: જિલ્લામાં પાણી પુરવઠા કૌભાંડ સામે આવતા રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. કૌભાંડમાં ફરિયાદ દાખલ કર્યા બાદ ફરીથી વિજિલન્સ તપાસ શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં કુલ 209 જેટલા પુરવઠા વિભાગના કામો થયા છે જેમાંથી 90 કામોમાં ક્ષતિઓ સામે આવી છે. દક્ષિણ ગુજરાતના પુરવઠા અધિકારીઓની 38 જેટલી ટીમો નવસારી જિલ્લામાં થયેલા કામોની તપાસ કરી રહી છે.
કૌભાંડનો આંકડો વધી શકે તેવી શક્યતાઓ: તમને જણાવી દઈએ કે, ચાર અધિકારીઓની આગેવાનીમાં તપાસ શરૂ કરવામાં આવી છે. દરેક ગામોમાં જય ત્યાં થયેલા કામોની પંચાયતના સભ્યોને, સરપંચો તથા તલાટીઓ સાથે પૂછપરછ કરી રહી છે. નવસારી જિલ્લાના ચીખલી, ગણદેવી, વાસદા અને ખેરગામ તાલુકામાં વિજિલન્સ ટીમો તપાસ કરી રહી છે. ભ્રષ્ટાચાર બાબતે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવતા અધિકારીઓમાં ફફડાટ શરૂ થયો છે. મહત્વની વાત તો એ છે કે, નવસારી જિલ્લાના પાણી પુરવઠા કૌભાંડમાં હજુ વધુ આરોપીઓ તેમજ કૌભાંડનો આંકડો વધી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહે છે.
સમગ્ર મામલાની તપાસ: સમગ્ર મામલે નવસારી પાણી પુરવઠા વિભાગની વિજિલન્સ ટીમ ગણદેવી તાલુકામાં આવેલા મોવાસા ગામમાં પાણી પુરવઠા યોજના હેઠળ થયેલા કામની તપાસ કરવા માટે મોવાસા ગામે પહોંચી હતી. જેમાં ગામના સરપંચને સાથી રાખી પુરવઠાની ટીમ સમગ્ર મામલાની તપાસ કરી રહી હતી.
2022માં ગામમાં પાણી પુરવઠા યોજનાનું અમલીકરણ થયું હતું: 2022માં મોવાસા ગામમાં પાણી પુરવઠા યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોવાસાથી માસા સુધી પાણીની લાઈનો નાખવામાં આવી હતી. જે કામની સ્થળ તપાસ પાણી પુરવઠા વિભાગના વિજિલન્સના અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ સ્થળ ચકાસણીનો સમગ્ર રિપોર્ટ ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવશે. તપાસની રિપોર્ટ સામે આવ્યા બાદ સમગ્ર કોભાંડ બાબતે નવા ખુલાસાઓ થવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે.