ભરૂચ : લોકસભા ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર આપના ઉમેદવાર ચૈતર વસાવાનો એક વીડિયો વાયરલ થયો છે. જંબુસરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ચૈતર વસાવા એક દુકાન પર જલેબી બનાવવા બેસી ગયા હતા. આ તકનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, ઉપરાંત યુઝર્સ મિશ્ર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
ચૈતર વસાવાએ જલેબી બનાવી : જંબુસરમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા ચૈતર વસાવા બસ સ્ટેન્ડ પાસે મુખ્ય બજારમાં પહોંચતા તેમનું આપ-કોંગ્રેસના કાર્યકરોએ સ્વાગત કર્યું હતું. પ્રચાર કરવા માટે મુખ્ય બજારમાં પહોંચેલા ચૈતર વસાવા એક ફરસાણની દુકાનમાં જલેબી તળી રહેલા કંદોઈની જગ્યાએ બેસી ગયા હતા. ઉપરાંત ચૈતર વસાવાએ જલેબી પણ બનાવી હતી. આ તકે આપ-કોંગ્રેસના કાર્યકરો તેમની પાછળ "એક જ ચાલે, ચૈતર ચાલે" ના નારા લગાવતા દેખાયા હતા.
જનતાની પ્રતિક્રિયા તો જુઓ : અત્રે ઉલ્લેખનીય છે કે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ અનેક ટિપ્પણી પણ સામે આવી રહી છે. જેમાં કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સનું માનવું છે કે, ચૈતર વસાવા જમીન સાથે જોડાયેલા નેતા છે તે આ વીડિયો પરથી દેખાય છે. જોકે બીજી તરફ કેટલાક યૂઝર્સ આ વીડિયોને રાજકીય પેતરા ગણી વોટ માટેના રાજકીય સ્ટંટ ગણાવી રહ્યા છે. ખેર જે પણ હોય પણ એક વાત ચોક્કસ છે કે ચૂંટણી ભલભલાને દોડતા અને વિચારતા કરી નાખે છે.
લોકસભા ચૂંટણી પ્રચાર : ભરૂચ લોકસભા બેઠક પર વિવિધ પક્ષના 13 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે. જેમાં મુખ્યત્વે ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા અને ઇન્ડિયા ગઠબંધનના (કોંગ્રેસ-આપ) સંયુક્ત ઉમેદવાર ચૈતર વસાવા વચ્ચે રસાકસીનો માહોલ સર્જાશે. ભરૂચ લોકસભા બેઠક પર તમામ ઉમેદવારો જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગી ગયાં છે.