બનાસકાંઠા: બનાસકાંઠાના દાંતા તાલુકાની પાન્છા પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય પારુલ મહેતાએ થોડા દિવસ પહેલા શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા ભાવના પટેલ પર આક્ષેપ કર્યા હતા કે, ભાવના પટેલ છેલ્લા કેટલાય વર્ષોથી શાળામાં આવતા નથી, તે વિદેશમાં સ્થાઈ છે. આ સમગ્ર ઘટના બાદ શિક્ષણ વિભાગમાં હોબાળો મચી ગયો હતો. જોકે મહિલા શિક્ષિકાના વિવાદ બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા.
હવે શિક્ષિકા ભાવના પટેલે વિડીયો એક વિડીયો શેર કર્યો છે. શિક્ષિકા ભાવના પટેલ દ્વારા વિડીયો બનાવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે તે એનઓસી મેળવીને અમેરિકા ગઈ છે સાથે જ શિક્ષિકા ભાવના પટેલે ઇન્ચાર્જ આચાર્યના નિવેદનો પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ભાવના પટેલે કહ્યું કે, ઇન્ચાર્જ આચાર્ય પારૂલબેન મહેતાના અલગ અલગ નિવેદનો સામે આવ્યા છે તેથી સમજવું મુશ્કેલ બન્યું છે.
શિક્ષિકા ભાવના પટેલે વીડિયોમાં કહ્યું કે, એક નિવેદનમાં ઇન્ચાર્જ આચાર્ય આઠ વર્ષ બોલી રહ્યા છે બીજા નિવેદનમાં તેઓ આઠ મહિના કહી રહ્યા છે અને અન્ય એક નિવેદનમાં તેઓ દિવાળીમાં શાળામાં આવતા હોવાનો પણ ઉલ્લેખ કરી રહ્યા છે સાથે જ બાળકો પાસે જે નિવેદન લેવામાં આવ્યું છે તેમાં પણ બાળકો બે વર્ષ બતાવી રહ્યા છે એટલે કે આ પ્રકારના અલગ અલગ નિવેદનો સામે આવ્યા છે.
શિક્ષિકા ભાવના પટેલે આ સમગ્ર મામલા પર પડદો પાડવા અને પટાવટ મામલે મીડિયા કર્મીઓની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવ્યા છે, સાથે જ ઇન્ચાર્જ આચાર્ય પર પણ ગંભીર આક્ષેપો કર્યા છે. વીડિયોમાં શિક્ષિકા ભાવના પટેલે કહ્યું કે, પતાવટ માટે પાંચ લાખ રૂપિયાની માગણી કરવામાં આવી છે. શિક્ષિકા ભાવના પટેલે આક્ષેપો કર્યા છે સાથે જ તેમને કહ્યું કે, હું જ્યારે ભારત આવીશ ત્યારે આ સમગ્ર મામલે વાત કરીશ.
બનાસકાંઠાના પાંન્છા શાળામાંથી શરૂ થયેલા શિક્ષિકા ભાવના પટેલના વિવાદ બહાર હવે ખુદ શિક્ષિકાએ જ આ વિડીયો બનાવીને વાયરલ કર્યો છે. આ વિડીયો વાયરલ થયા બાદ હવે અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે.