અમદાવાદ: વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આ વખતે 10 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ભાજપે સ્વરૂપજી ઠાકોરને ફરીથી રિપીટ કર્યા છે, તો કોંગ્રેસે થરાદમાં પેટા ચૂંટણીમાં ચૂંટાયેલા પૂ.ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર બનાવ્યા છે. જોકે આ વખતે ખાસ વાત એ છે કે આ વખતે ચૂંટણીમાં ભાજપના જ નેતા માવજી પટેલે પણ ફોર્મ ભર્યું છે અને ચૂંટણીના મેદાનમાં ઉતરી રહ્યા છે. જોકે ભાજપે તેમને મનાવવા માટે છેલ્લે સુધી ઘણા પ્રયાસ કર્યા હતા, પરંતુ તેઓ ટસના મસ ન થયા. તો ચૌધરી પટેલ સમાજે પહેલાથી જ માવજી પટેલને ટેકો જાહેર કરી દીધો છે. એવામાં તેઓ અપક્ષથી લડતા ભાજપ અને કોંગ્રેસ બંનેના વોટ તૂટે તેવી સંભાવનાને નકારી શકાય નહીં. ત્યારે જોવાનું રહેશે કે શું માવજી પટેલ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેનું ગણિત બગાડશે?
કોણ છે માવજી પટેલ?
વાવ તાલુકાના આકોલી ગામના વતની માવજી પટેલ પહેલા વાવ અને થરાદ વિધાનસભાનું નેતૃત્વ કરી ચૂક્યા છે. માવજી પટેલ પહેલા 20 મુદ્દા અમલીકરણ હાઈ પાવર કમિટીમાં પણ રહી ચૂક્યા છે. તેઓ વર્ષ 1990 માં જનતા દળમાં ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને પટેલ સમાજમાં મોટું પ્રભુત્વ પણ ધરાવે છે. તેઓ અગાઉ કોંગ્રેસમાં રહી ચૂક્યા છે ત્યાર બાદ ભાજપમાં જોડાયા હતા. તેઓ થરાદ ખાતે એકવાર અપક્ષ પણ ચૂંટણી લડ્યા હતા, જેમાં તેમની હાર થઈ હતી.
માવજી પટેલને ચૌધરી પટેલ સમાજનો મોટો ટેકો
વાવ વિધાનસભા પેટા ચૂંટણીના અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલના સમર્થનમાં અગાઉ ભાભર ખાતે મોટી સંખ્યામાં ચૌધરી પટેલ સમાજની બેઠક યોજાઇ હતી. જેમાં માર્કેટ યાર્ડના ચેરમેન લાલજીભાઈ પટેલ પણ બેઠકમાં જોડાયા હતા. અપક્ષ ઉમેદવાર જામાભાઈ પટેલે પણ માવજીભાઈને સમર્થન આપ્યું હતું. તો આ બેઠકમાં ચૌધરી પટેલ સમાજના યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં 64 ગોળ પટેલ સમાજે પણ માવજી પટેલને ટેકો જાહેર કર્યો હતો.
ચૌધરી પટેલ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે,' ભાજપ પાર્ટી દ્વારા અમને ટિકિટ નહીં મળતા અમે માવજીભાઈને જાહેરમાં ટેકો આપીએ છીએ. માવજીભાઈ ચૂંટણી લડશે અને માવજીભાઈ ચૂંટણી જીતશે. માવજીભાઈ પટેલને વોટ તો આપીશું પણ પૈસાની જરૂર પડે તો પણ અમે આપીશું. પટેલ સમાજના અનેક રાજકીય સામાજિક આગેવાનો સાથે મળીને લીધેલા નિર્ણયને તમામ લોકોએ વધાવી લીધો હતો.'
શા માટે ચૂંટણીમાં ઉતર્યા માવજી પટેલ?
વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપ દ્વારા સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. આથી પટેલ સમાજ નારાજ જોવા મળી રહ્યો છે. અપક્ષના ઉમેદવાર માવજીભાઈ પટેલે અગાઉ જણાવ્યું હતું કે, 'અમે પટેલ સમાજ દ્વારા છ મહિના પહેલા ટિકિટની માંગણી કરી હતી, પરંતુ અમને ટિકિટના મળતા અમે અપક્ષમાં ફોર્મ ભર્યું છે અને અમે ચૂંટણી લડીશું.'
માવજી પટેલને મનાવવા ભાજપના છેલ્લે સુધી પ્રયાસ
માવજી પટેલને મનાવવા મીડિયા પ્રભારી યજ્ઞેશ દવે, અધ્યક્ષ શંકર ચૌધરીના ભાઈ અને પૂર્વ સાંસદ પરબત પટેલ, મહામંત્રી કનુ વ્યાસ અને વસંત પુરોહિત સહિતના નેતાઓએ માવજી પટેલને મનાવવા માટેના પ્રયાસો કર્યા હતા. જોકે તેમ છતાં તેઓ માવજી પટેલને મનાવી શક્યા નહોતા. ત્યારે હવે માવજીભાઈ ચૂંટણી લડવાથી ભાજપ-કોંગ્રેસના વોટોને અસર થશે કે નહીં તે ચૂંટણીના પરિણામ આવતા જ જાણી શકાશે.
આ પણ વાંચો: